સીતારામ કેસરીઃ એક સમયે અપમાનિત કરીને અધ્યક્ષ પદેથી દૂર કરનારી કોંગ્રેસે વેબસાઈટમાંથી પણ ડિલીટ કર્યું નામ
સપ્ટેમ્બર 1996માં નરસિમ્હા રાવ દ્વારા કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડ્યા બાદ સીતારામ કેસરીના હાથમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી, સીતારામ કેસરી સ્વતંત્રતા સેનાની પણ હતા
નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણી-2019માં કારમા પરાજય પછી આઘાતમાં ડૂબી ગયેલી કોગ્રેસ પાર્ટી કદાચ હવે નેહરુ-ગાંધી પરિવાર સિવાયના નેતાઓના નામ બતાવવાથી પણ ડરી રહી છે. કોંગ્રેસ સાથે જોડાયેલો તાજેતરનો વિવાદ વેબસાઈટમાં પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષોના નામ અંગેનો છે. કોંગ્રેસના અધ્યક્ષ રહેલા નેતાઓની યાદીમાં દિવંગત અધ્યક્ષ સીતારામ કેસરીનું નામ નથી. સીતારામ કેસરી બિહારના પછાત વર્ગના હતા. તેઓ વર્ષ 1996થી 1998 સુધી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા, પરંતુ પાર્ટીની વેબસાઈટમાં પૂર્વ અધ્યક્ષોની યાદીમાં તેમનું નામ નથી.
ઉલ્લેખનીય છે કે, રાજીવ ગાંધીના અકાળે નિધન પછી પૂર્વ વડાપ્રધાન પી.વી. નરસિમ્હા રાવ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા હતા. સપ્ટેમ્બર, 1996માં નરસિમ્હારાવ દ્વારા કોંગ્રેસનું અધ્યક્ષ પદ છોડ્યા પછી સીતારામ કેસરીના હાથમાં કોંગ્રેસની કમાન સોંપવામાં આવી હતી. કેસરી માર્ચ 1998 સુધી કોંગ્રેસના અધ્યક્ષ રહ્યા હતા. તેમના પછી સોનિયા ગાંધીને કોંગ્રેસના અધ્યક્ષ બનાવાયાં હતાં.