`આગામી ચૂંટણી નેતાઓ વચ્ચે નહીં પરંતુ મોદી વિરુદ્ધ ભારત હશે`- સીતારામ યેચુરી
તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના પુસ્તક `શેડ્સ ઓફ ટ્રુથ`ના વિમોચનના અવસરે બોલી રહ્યાં હતાં.
નવી દિલ્હી: માર્ક્સવાદી કોમ્યુનિસ્ટ પાર્ટી (સીપીએમ)ના મહાસચિવ સીતારામ યેચુરીએ આગામી લોકસભા ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરુદ્ધ વિપક્ષના ચહેરાના વિમર્શને અનુચિત ગણાવતા શુક્રવારે કહ્યું કે આ ચૂંટણી મોદી વિરુદ્ધ ભારત હશે. તેઓ કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલના પુસ્તક 'શેડ્સ ઓફ ટ્રુથ'ના વિમોચનના અવસરે બોલી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે "આગામી ચૂંટણી આ સરકારને હટાવવા માટે હશે. હું તો કહું છું કે આ ચૂંટણી નેતાઓ વચ્ચે નહીં હોય. પરંતુ મોદી અને ભારત વચ્ચે હશે. ચૂંટણી મોદી વિરુદ્ધ ભારત હશે."
અગાઉ પણ નેતા વગર વિપક્ષી ગઠબંધન સફળ થયેલા છે-શરદ યાદવ
લોકતાંત્રિક જનતા દળના નેતા શરદ યાદવે કહ્યું કે પહેલા પણ નેતાઓ વગર વિપક્ષી ગઠબંધન ચૂંટણી લડીને સફળ થયેલા છે અને આ વખતે પણ એમ જ થશે. તેમણે કહ્યું કે "1977માં મોરારજી દેસાઈને ચૂંટણી બાદ વડાપ્રધાન તરીકે ચૂંટવામાં આવ્યાં હતાં. 1989માં વી પી સિંહ અને 1990ના દાયકામાં દેવગૌડાને પણ આ જ રીતે ચૂંટવામાં આવ્યાં હતાં." તૃણમૂલ કોંગ્રેસના ચંદન મિત્રાએ કહ્યું કે ભાજપ વિરુદ્ધ વ્યાપક ગઠબંધન થશે અને તેનું નેતૃત્વ કોઈ સ્થાનિક નેતા કે મહિલા નેતા કરશે. તેમનો ઈશારો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજી તરફ હતો.
પીએમ મોદીએ આપવું પડત રાજીનામું-કપિલ સિબ્બલ
કોંગ્રેસના વરિષ્ઠ નેતા કપિલ સિબ્બલે પોતાના 'પુસ્તક શેડ્સ ઓફ ટ્રુથ'ના વિમોચનના અવસરે કહ્યું કે મહાન નેતા(મોદી)એ આપણને નોટબંધી આપી, જેનાથી આપણે જીડીપીનો 1.5 ટકા ભાગ ખોયો. જો તેઓ કોઈ બીજા દેશમાં હોત તો તેમણે રાજીનામું આપવું પડત. તેમણે કહ્યું કે "જે રીતે જીએસટી લાગુ કરવામાં આવ્યો તેનાથી ખુબ નુકસાન થયું."
(ઈનપુટ ભાષામાંથી)