કૂપવાડા: જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષાદળો સતત આતંકીઓના નાપાક મનસૂબાને નિષ્ફળ બનાવી રહ્યાં છે. પાકિસ્તાન તરફથી વારંવાર ઘૂસણખોરીની કોશિશ થઈ રહી છે અને સુરક્ષાદળો જીવના જોખમે તેમના નાપાક ઈરાદાનો ખાતમો બોલાવી રહ્યાં છે. કૂપવાડા જિલ્લામાં આવી જ એક નાપાક હરકતનો સુરક્ષાદળોએ જડબાતોડ જવાબ આપ્યો. જેમાં 6 આતંકીઓનો ખાતમો બોલાવવામાં આવ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મળતી માહિતી મુજબ આતંકીઓએ કૂપવાડાના કેરન સેક્ટરમાં ઘૂસણખોરી કરવાની કોશિશ કરી. આ દરમિયાન સુરક્ષા દળોએ તેમને રોકવાની કોશિશ કરી તો ફાયરિંગ કરવામાં આવ્યું. એન્કાઉન્ટર દરમિયાન જવાબી ફાયરિંગમાં અત્યાર સુધી 6 આતંકીઓ માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. વિસ્તારમાં હાલ સર્ચ ઓપરેશન પણ ચાલુ છે. એવી આશંકા છે કે હજુ વધુ આતંકીઓ ઘૂસણખોરી કરવા માટે ત્યાં છૂપાયેલા હોઈ શકે છે.



શનિવારે પણ બાંદીપોરામાં આતંકીઓ અને સુરક્ષાદળોના જવાનો વચ્ચે અથડામણ થઈ હતી. સૈન્ય અધિકારીઓને શનિવારે મોડી સાંજે પનાર વિસ્તારના જંગલોમાં કેટલાક આંતકીઓ છૂપાયેલા હોવાનું જાણવા મળ્યું હતું. આ સૂચના બાદ સેનાની 14 રાષ્ટ્રીય રાઈફલ્સની ટુકડીના જવાનોએ પનારના જંગલોમાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.


આ કાર્યવાહી દરમિયાન છૂપાયેલા આતંકીઓએ સેનાના જવાનો પર ફાયરિંગ કરીને ભાગવાની કોશિશ કરી. ત્યારબાદ તત્કાળ એસઓજી અને સીઆરપીએફના જવાનોને બોલાવીને જંગલોની ઘેરાબંધી કરી દેવાઈ હતી. ત્યારબાદથી સેનાએ પનાર વિસ્તારના જંગલોમાં તલાશી અભિયાન શરૂ કર્યું હતું.