અમૃતસર: પંજાબના અમૃતસરમાં એક મોટી ટ્રેન દૂર્ઘટના સર્જાઇ હતી. આ ટ્રેન જલંધરથી અમૃતસર આવી રહી હતી, ત્યારે જૌડા ફાટક પર આ ઘટના બની હતી. જૌડા ફાટકની નજીક આ ટ્રેન દુર્ઘટના સર્જાઇ તે સમયે રાવણના પૂતળા દહનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ ઘટનામાં 61 લોકોના મોત થયા છે, જ્યારે 72 લોકોથી વધુ ઘાયલ થયા છે. આ સમગ્ર ઘટના વીડિયોમાં જોવા મળી રહી છે, જેમાં લોકોના ટોળા વચ્ચેથી ટ્રેન પસાર થઇ રહી છે. પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે દુર્ઘટના પર શોક વ્યક્ત કરીને મૃતકોનાં પરિજનોને રૂ.5 લાખની સહાયની જાહેરાત કરી છે. ત્યારે આ ઘટનાને પગલે કેન્દ્રયી રેલ મંત્રી પીયૂસ ગોયલ અમેરિકાનો પ્રવાસ અર્ધવચ્ચે છોડી ભારત પરત ફરી રહ્યાં છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પંજાબના અમૃતસરના શુક્રવાર સાંજે રાવણ દહન જોવા માટે રેલવે ટ્રેક પર ઉભા રહેલા લોકો પર ટ્રેન ફરી વળતા 61 લોકોના મોત થયા છે. હાવડા મેલ અને એક ડીએમયુ ટ્રેન એકાએક આવી જતાં આ અકસ્માત સજાર્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે લોકો ટ્રેક પર ઊભા રહીને પુતળા દહનનો કાર્યક્રમ જોઈ રહ્યા હતા. અચાનક ટ્રેન આવતાં જોઈને લોકો ટ્રેનથી બચવા માટે બીજા ટ્રેક પર ગયા હતા, પરંતુ ત્યાં પણ સામેથી બીજી ટ્રેન આવી ગઈ હતી.


આ ઘટનામાં 72 લોકોથી વધુ ઘાયલ થયા છે. અકસ્માતમાં મૃતકોનો આંકડો મોટો હોઇ શકે છે. પ્રત્યક્ષદર્શીઓનું કહેવું છે કે, રાવણ દહન વખતે ત્યાં ભીડ વધુ હતી. આ દરમિયાન ટ્રેક પર ટ્રેન આવી ગઇ. ઘટનાસ્થળ પર રેલવેના ટોચના અધિકારીઓ પહોંચી ચૂક્યા છે. ઘટનાસ્થળ પર બચાવકાર્ય શરૂ થઇ ગયું હતું. ઘટનાસ્થળે હાજર લોકોએ જણાવ્યું કે, તંત્ર અને દશેરા સમિતીની ભૂલના પરિણામે આ દુર્ઘટના સર્જાઈ છે. જ્યારે ટ્રેન આવી રહી હતી ત્યારે ટ્રેન દ્વારા હોર્ન વગાડવું જોઈતું હતું. તંત્રએ ટ્રેન ધીમી પડે એવી વ્યવસ્થા કરવી જોઈતી હતી.


પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, રાવણનું પુતળું સળગાવી દેવાયું હતું. જેના કારણે ફાટકડાનો મોટો અવાજ આવી રહ્યો હતો. જેના કારણે લોકોને ટ્રેનનો અવાજ સંભળાયો નથી અને આ દુર્ઘટના સર્જાઈ છે. 


ઉત્તર રેલવેના CPROએ જણાવ્યું કે, દુર્ઘટના અમૃતસરના મનાવાલા ગેટ નંબર 27 B/W ખાતે સર્જાઈ છે. રાવણના પુતળા દહન કાર્યક્રમને કારણે દુર્ઘટના સ્થળે મોટી સંખ્યાામાં લોકો હાજર હતા. આ દુર્ઘટના થઈ ત્યારે DMU ટ્રેન નંબર 74943 પસાર થઈ રહી હતી. આ દરમિયાન લોકો ગેટ નંબર 27 તરફ દોડવા લાગ્યા હતા.


વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દુર્ઘટના પર શોક વ્યક્ત કરતાં ટ્વીટર પર જણાવ્યું કે, "અમૃતસરમાં થયેલા ટ્રેન અકસ્માતના સમાચાર સાંભળીને બહુ મોટો આઘાત લાગ્યો છે. કંપારી છુટી જાય એવી દુર્ઘટના છે.  જેમણે પોતાનાં પરિજનોને આ દુર્ઘટનામાં ગુમાવ્યા છે તેમના દુઃખમાં હું સહભાગી છું અને ઘાયલો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું. અધિકારીઓને તાત્કાલિક ધોરણે રાહતકાર્ય કરવા માટે સુચના આપી છે."