સબરીમાલા અંગે સ્મૃતિ ઈરાનીએ આપ્યું વિવાદાસ્પદ નિવેદન, સેનિટરી પેડ્સના ઉલ્લેખથી ખળભળાટ
કેરળમાં સબરીમાલા મંદિરમાં તમામ વયની મહિલાઓના પ્રવેશને પરમિશન આપનાર સુપ્રિમ કોર્ટના આદેશની વિરુદ્ધ પ્રદર્શનોની વચ્ચે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ મંગળવારે કહ્યું કે, તે સુપ્રિમ કોર્ટના નિર્ણયનું સન્માન કરે છે, પરંતુ મારો અંગત મત એ છે કે પૂજા કરવાનો અધિકાર મતલબ એ નથી કે, તમને અપવિત્ર કરવાનો પણ અધિકાર મળી ગયો છે. જોકે, સ્મૃતિ ઈરાનીએ બાદમાં નિવેદન અંગે સ્પષ્ટતા કરતા એક ટ્વિટ કરીને કહ્યું કે, તેમના આ નિવેદનનો ખોટો અર્થ ન કાઢવામા આવે. સુપ્રિમ કોર્ટની પાંચ સદસ્યની સંવિધાન પીઠે 28 સપ્ટેમ્બરના રોજ મંદિરમાં 10થી 50 વર્ષની મહિલાઓના પ્રવેશ પર લાગેલો પ્રતિબંધ હટાવી દીધો હતો.
સુપ્રિમ કોર્ટની વિરુદ્ધ પ્રદર્શનોને પગલે મહિલાઓને સબરીમાલા મંદિરમાં જતા રોકવામાં આવી હતી. ઈરાનીએ કહ્યું કે, હું સુપ્રિમ કોર્ટના આદેશની વિરુદ્ધ બોલનારી કોઈ જ નથી. કેમ કે, હું એક કેબિનેટ મંત્રી છું. પરંતુ આ એક સાધારણ બાબત છે કે, શું તમે રક્તથી લથપથ નેપકિન લઈને કોઈ મિત્રના ઘરમાં જશો? તમે આવું નહિ કરો.
આપણને પૂજા કરવાનો હક છે, પણ મંદિરને અપવિત્ર કરવાનો નહિ
તેમણે કહ્યું કે, શું તમને લાગે છે કે, ભગવાનના ઘરે આવી રીતે જવું સન્માનજનક છે. આ જ ફરક છે. મને પૂજા કરવાનો અધિકાર છે. પરંતુ અપવિત્ર કરવાનો અધિકાર નથી. આ જ ફરક છે કે, આપણે તેને ઓળખવાની અને સન્માનવાની જરૂર છે.
બ્રિટિશ હાઈ કમિશન અને ઓર્બ્ઝવર રિસર્ચ ફાઉન્ડેશન દ્વારા આયોજિત યંગ થિંકર્સ કોન્ફરન્સમાં સ્મૃતિ ઈરાનીએ આ વાત કહી હતી. મીડિયામાં આ મુદ્દે ચર્ચા થયા બાદ સ્મૃતિ ઈરાનીએ તેને ફેક ન્યૂઝ ગણાવ્યા હતા અને કહ્યું કે, તેઓ પોતાનો વીડિયો પોસ્ટ કરશે.
તેમણે કહ્યું કે, હું હિન્દુ ધર્મમાં માનું છું અને મેં એક પારસી વ્યક્તિ સાથે લગ્ન કર્યાં છે. મેં નક્કી કર્યું હતું કે, મારા બંને બાળકો પારસી ધર્મમાં માને, જેઓ આતિશ બેહરામ જઈ શકે છે. આતિશ બહેરામ પારસીઓનું પ્રાર્થના સ્થળ છે. ઈરાનીએ કહ્યું કે, જ્યારે તેમના બાળકો આતિશ બહેરામની અંદર જતા હતા, તો તેમને રસ્તા પર કે કારમાં બેસી રહેવું પડતું હતું. જ્યારે હું મારા નવજાત બાળકને આતિશ બહેરામ લઈ ગઈ તો તેને મંદિરના ગેટ પાસે પતિને સોંપ્યું હતું અને બહાર રાહ જોઈ. કેમ કે, મને દૂર રહેવા અને ત્યાં ઉભા ન રહેવાનું કહેવામાં આવ્યું હતું.