નવી દિલ્હીઃ કમાણી કરવા માટે ઘણા વેપારીઓ ગમે તે હદ સુધી જતા ખચકાતા નથી. પગેથી લોટ ગૂંથતા યુવાનનો વીડિયો આઘાતજનક છે. રેસ્ટોરન્ટ, ફૂડ સ્ટોલ કે લારીઓ પર આપણે ચટાકા લઈને નાસ્તો કે જમવાનું આરોગતા હોઈએ છીએ. સ્વાદ લેતાં કે ભૂખ સંતોષતી વખતે આપણે ભૂલી જઈએ છીએ કે ખાદ્ય વસ્તુઓ કેવી રીતે બનાવવામાં આવી છે. જો તમને ખબર પડે કે જે વસ્તુ તમે ખાઈ રહ્યા છો, તેના માટેનો લોટ પગથી ગૂંથવામાં આવ્યો છે, તો શું તમે તે વસ્તુ ખાશો? 
 



 


સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એક યુવાન પગ વડે લોટ લૂંથી રહ્યો છે. તે લોટ પર કૂદી રહ્યો છે. લોટને કોઈ વાસણની જગ્યાએ સીધો જમીન પર જ પાથરી દેવાયો છે. સામાન્ય રીતે લોટને હાથ વડે ગૂંથવામાં આવે છે. વ્યાવસાયિક એકમોમાં લોટ ગૂંથવા ઈલેક્ટ્રીક મશીનોનો ઉપયોગ પણ થાય છે. જો કે આ યુવાને હાથ વડે લોટ ગૂંથવાની મહેનતથી બચવા પગનો સહારો લીધો, આમ કરીને તે લોકોના સ્વાસ્થ્ય સાથે જોખમી રમત રમી રહ્યો છે. જ્યાં લોટ ગૂંથવામાં આવી રહ્યા છે, ત્યાં નજીકમાં તૈયાર કરાયેલા ટોસ્ટ છાપા પર ફેલાયેલા છે. જેને જોતાં કહી શકાય કે આ દ્રશ્યો કોઈ બેકરીના હોઈ શકે છે. 


જો કે એક જાગૃત નાગરિકે પગથી લોટ ગૂંથતા યુવાનનો વીડિયો બનાવી લીધો. યુવાનને આ અંગેની જાણ થતા તેણે તુરંત દેખાડા માટે હાથેથી લોટ ગૂંથવાની શરૂઆત કરી દીધી. જો કે ત્યાં સુધીમાં તો ઘણું મોડું થઈ ગયું હતું. વીડિયો બનાવનારે બેકરીના કામદારને ખખડાવ્યો પણ ખરો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. લોકોનાં સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા આવા લોકો સામે સખ્ત કાર્યવાહી જરૂરી છે.