મોબ લિન્ચિંગ પર CJI દીપક મિશ્રાએ કહ્યું, સોશિયલ મીડિયાથી વધી રહી છે ઘટનાઓ
ગત 17 જુલાઈએ સુપ્રીમ કોર્ટે દેશભરમાં થઈ રહેલી મોબ લિન્ચિંગની ઘટનાઓની નિંદા કરતા આ ગુનાને પહોંચી વળવા માટે સંસદને કાયદો બનાવવાની ભલામણ કરી હતી.
નવી દિલ્હીઃ દેશના મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાએ કહ્યું કે, દેશમાં ટોળા દ્વારા હત્યા કરવાની ઘટનાઓ વધી રહી છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ઘટનાને પ્રોત્સાહન આપવામાં સોશિયલ મીડિયોનો મહત્વનો ભાગ છે. તેમણે કહ્યું કે, સમાજમાં શાંતિ અને કાયદો વ્યવસ્થા બનાવી રાખવા માટે સોશિયલ મીડિયાને તપાસના દાયરામાં લાવવું પડશે અને આ તપાસ સ્વયં દેશના જાગરૂત નાગરિક જ કરી શકે છે.
સીજેઆઈ દીપક મિશ્રાએ એક કાર્યક્રમમાં પોતાના ભાષણ દરમિયન મોબ લિન્ચિંગની ઘટનાઓ પર ચિંતા વ્યક્ત કરી. તેમણે કહ્યું કે, ભીડ દ્વારા કરવામાં આવી રહેલી હત્યાની ઘટનાઓમાં છેલ્લા દિવસોમાં વધારો થયો છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓ રોકવા માટે ગત દિવસોમાં તેમણે સંસદને કડક કાયદો બનાવવાની ભલામણ કરી હતી.
દીપક મિશ્રાએ કહ્યું કે, મોબ લિન્ચિંગની ઘટનાઓને સોશિયલ મીડિયા દ્વારા પ્રોત્સાહન મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર કોઇ અફવા વાયરલ થાય છે અને છોડા સમય બાદ કોઇને કોઇ ટોળાનો શિકાર થઈ જાય છે. તેમણે કહ્યું કે, આ પ્રકારની ઘટનાઓથી લોકતંત્ર અને જીવન, બંન્નેને હાનિ પહોંચી રહી છે.
મુખ્ય ન્યાયાધીશે મોબ લિન્ચિંગની ઘટનાઓ પર પ્રતિબંધ લાદવાની માંગ કરતા કહ્યું કે, સોશિયલ મીડિયાને કંટ્રોલ કરવાની જરૂરીયાત છે અને આ કંટ્રોલ કોઇ સંસ્થા કે સરકાર નહીં પરંતુ આ દેશના જાગરૂત નાગરિક કરશે. તેમણે લોકોને અપીલ કરી કે જો કોઇ આપત્તિજનક સંદેશ પોતાના સોશિયલ પેજ પર દેખાઇ છે તો તેને ડિલીટ કરી દો, તેને આગળ ન વધારો.