Corona નો નવો વેરિએન્ટ ગણાઈ રહ્યો છે અત્યંત જોખમી, કેન્દ્રએ રાજ્યોને લખ્યો પત્ર, `બહુરૂપિયો` 30 વાર બદલી ચૂક્યો છે રૂપ?
કોરોના વાયરસના નવા વેરિએન્ટથી એકવાર ફરીથી દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નવી દિલ્હી: કોરોના વાયરસ (Coronavirus) ના નવા વેરિએન્ટથી એકવાર ફરીથી દુનિયામાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. અનેક દેશોમાં હવે કોવિડ કેસમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે ત્યાં ફરી એકવાર નવા વેરિએન્ટે દરેકને ડરાવ્યા છે. આ નવો વેરિએન્ટ સાઉથ આફ્રિકા (South Africa) માં મળી આવ્યો છે. કહેવાય છે કે આ વેરિએન્ટ ખુબ ઝડપથી ફેલાય છે અને તેનું મ્યુટેશન 30થી વધુ વખત થઈ ચૂક્યું છે. આ વેરિએન્ટને B.1.1.529 નામ અપાયું છે. આ બાજુ કેન્દ્ર સરકારે પણ અલર્ટ જાહેર કરી છે. તમામ રાજ્યોને પત્રો લખ્યો છે. નિર્દેશ જારી કર્યા છે કે એરપોર્ટ પર કડક તપાસ થાય. દક્ષિણ આફ્રિકા, બોત્સવાના અને હોંગકોંગમાં નવા વેરિએન્ટથી દહેશત છે. સિંગાપુરે દક્ષિણ આફ્રિકા અને આસપાસના દેશોમાં મુસાફરી પર શરતી રોક લગાવી છે.
30 થી વધુ વખત મ્યુટેશન!
સતત મ્યુટેટ થઈ રહેલા આ વેરિએન્ટે WHO ની સાથે સાથે વૈજ્ઞાનિકોની પણ ચિંતા વધારી છે. 30થી વધુ વખત મ્યુટેશન એટલે સ્વરૂપ બદલવું સૌથી જોખમી વાત છે. બીજી લહેરમાં ડેલ્ટા અને ડેલ્ટા પ્લસ વેરિએન્ટ પણ આ પ્રકારે મ્યુટેટ થઈને જીવલેણ સાબિત થયા હતા. સૌથી ચિંતાની વાત એ છે કે હાલ રસી આ વેરિએન્ટ વિરુદ્ધ કારગર છે કે નહીં તેનો સ્ટડી કરવામાં આવી રહ્યો છે. તેમાં સમય લાગી શકે છે. આવામાં એવી આશંકા વ્યક્ત કરાઈ રહી છે કે ત્યાં સુધીમાં તો આ વેરિએન્ટ કહેર વર્તાવવાનો ન શરૂ કરી દે!
કેન્દ્ર સરકારના નિર્દેશ
આ વેરિએન્ટને લઈને આખી દુનિયા સતર્ક છે. ભારત સરકારે પણ તમામ રાજ્યોને અલર્ટ રહેવાનું કહ્યું છે. સરકારે રાજ્યોને નિર્દેશ આપ્યા છે કે તમામ આંતરરાષ્ટ્રીય મુસાફરોની કડક તપાસ કરે. દક્ષિણ આફ્રિકા, હોંગકોંગ અને બોત્સવાનાથી સીધા આવતા મુસાફરોનું કડક સ્ક્રિનિંગ કરે. કેન્દ્રીય સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને પત્ર લખ્યા છે. આ બાજુ દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે DDMA ની બેઠક બોલાવી છે. નવા કોવિડ વેરિએન્ટ અંગે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે DDMA ને પ્રેઝન્ટેશન તૈયાર કરવાનું કહ્યું છે. સોમવારે DDMA પોતાના પ્રેઝન્ટેશનમાં તૈયારીઓ વિશે જણાવશે.
WHO એ બોલાવી મોટી બેઠક
આ બધા વચ્ચે WHO ના Technical Advisory Group એ મહત્વની બેઠક બોલાવી છે. આ બેઠકમાં નવા વેરિએન્ટને લઈને મંથન થવાનું છે. આરોગ્ય સંગઠનનું કહેવું છે કે આ વેરિએન્ટ પર હજુ વધુ રિચર્ચ કરવાની જરૂર છે. સૌથી જરૂરી એ છે કે આપણે વધુમાં વધુ લોકોને કોરોના રસી આપીએ જેથી કરીને તેનો મુકાબલો કરી શકાય.
આ ઉપરાંત એવું પણ કહેવાયું છે કે કોરોનાના આ નવા વેરિએન્ટને પણ એક ગ્રીક નામ અપાશે. જેમ કે ડેલ્ટા, આલ્ફા નામ અપાયા છે. સાઉથ આફ્રિકાના આ વેરિએન્ટને પણ આવું કઈંક નામ અપાશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ વેરિએન્ટમાં મલ્ટી મ્યુટેશન્સની તાકાત છે, આથી તે ચિંતાની વાત છે. હવે તેની પણ તપાસ થઈ રહી છે કે કોવિડ રસી આ વેરિએન્ટ વિરુદ્ધ કેટલી અસરકારક છે.
આ છે ચિંતાની સૌથી મોટી વાત
આ નવા વેરિએન્ટને લઈને વધુ ચિંતા એટલા માટે પણ છે કારણ કે હજુ સુધી એ નક્કી નથી શક્યું કે તે કેટલી ઝડપથી ફેલાય છે. જે જાણકારી સામે આવી છે તે ફક્ત આ વેરિએન્ટના મ્યુટેશનને લઈને છે. KRISP ના ડાયરેક્ટર De Oliveira કહે છે કે આ નવા વેરિએન્ટના અનેક અસાધારણ મ્યુટેશન જોવા મળ્યા છે. તે મુજબ અત્યાર સુધીમાં 30થી વધુ મ્યુટેશન જોવા મળી ચૂક્યા છે. બીજા વેરિએન્ટની સરખામણીમાં તે વધુ ચિંતા વધારનારો દેખાઈ રહ્યો છે.
ડાઈરેક્ટરે એ વાત ઉપર પણ ભાર મૂક્યો છે કે હજુ પણ રસી જ કોરોના વિરુદ્ધ સૌથી મોટું હથિયાર છે. એ નથી ખબર કે રસી નવા વેરિએન્ટ પર કેટલી અસરકારક છે પંરતુ હાલ દુનિયા પાસે વધુ વિકલ્પ નથી. આ વેરિએન્ટ વિરુદ્ધ અન્ય દેશોએ પણ પગલાં લેવાના શરૂ કરી દીધા છે.
ભારતમાં શું છે સ્થિતિ
કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે આજે બહાર પાડેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 10,549 દર્દીઓ નોંધાયા છે. જ્યારે 488 લોકોએ કોરોનાથી જીવ ગુમાવ્યા છે. છેલ્લા 24 કલાકમાં 9,868 દર્દીઓ સાજા પણ થયા છે. હાલ દેશમાં 1,10,133 દર્દીઓ સારવાર હેઠળ છે.
Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube