નવી દિલ્હી : ઉત્તર પ્રદેશમાં સપા, બસપા અને રાલોદના ગઠબંધનમાં જગ્યા ન મળ્યા બાદ રાજ્યની તમામ સીટ પર ઈલેક્શન લડવાની તૈયારી કરી રહેલી કોંગ્રેસને આશા છે કે, તેને સીટ ભલે વધુ ન મળે, પરંતુ પોતાના મતની ટકાવારી વધારવામાં સફળતા મળે. પ્રદેશ કોંગ્રેસના નેતા માની રહ્યા છે કે, ગઠબંધનમાં ઈલેક્શન લડવા પર કોંગ્રેસને વધુ ફાયદો થાત અને સપા તેમજ બસપાના નિર્ણયથી તેમની આશાને ઝટકો લાગ્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સમાજવાદી પાર્ટીના નેતા અખિલેશ યાદવ અને બહુજન સમાજ પાર્ટીની અધ્યક્ષ માતાવતીએ 12 જાન્યુઆરીના રોજ લખનઉમાં એક પ્રેસ કોન્ફરન્સ આયોજિત કરીને આગામી લોકસભા ઈલેક્શન સાથે મળીને લડવાની જાહેરાત કરી હતી. કોંગ્રેસને ત્યાર સુધી આશા હતી કે, આ ગઠબંધનમાં તેને જગ્યા મળી શકશે.


રાહુલ ગાંધીની રેલીઓ...
હવે કોંગ્રેસ રાજ્યની તમામ 80 લોકસભા સીટ પર એકલા ઉતરવા કે પછી નાની પાર્ટીઓ સાથે મળીને ઈલેક્શન લડવાની તૈયારીમાં છે. પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી પણ જાહેરાત કરી ચૂક્યા છે કે, ઉત્તર પ્રદેશમાં પૂરી તાકાતની સાથે ઈલેક્શન લડવામાં આવશે. આ તૈયારી સાથે જ રાહુલ ગાંધી આગામી મહિને રાજ્યમાં 13 સભાઓ કરવા જઈ રહ્યા છે. 


પરંતુ નેતૃત્વની આ જાહેરાત છતા ઉત્તર પ્રદેશ સાથે જોડાયેલ કોંગ્રેસના નેતાઓમાં એકલા ઈલેક્શન મેદાનમાં જવાને લઈને બહુ ઉત્સાહ નથી. ઉત્તર પ્રદેશના સાંસદ રહી ચૂકેલા કોંગ્રેસના એક નેતાએ નામ ન આપવાની શરત પર કહ્યું કે, આ વાત સાચી છે કે, જો તમે સપા-બસપાની સાથે કોંગ્રેસ કેટલીક પસંદગીની સીટ પર ઈલેક્શન લડે તો આપણા માટે ચીજો સરળ થઈ જાય છે. પરંતુ હવે અમને આશા છે કે, તમામ સીટ પર લડવાથી સમગ્ર પ્રદેશમાં સંગઠનમાં નવો પ્રાણ પૂરાઈ શકે છે. 


તેમણે કહ્યું કે, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસની જીત બાદ જમીન પર સ્થિતિ બહુ બદલાઈ છે. જે લોકો અમને ઓછા આંકી રહ્યા હતા, તેઓ થોડા મહિનામાં જ ખોટા સાબિત થઈ શકે છે. 


ઊત્તર પ્રદેશના કોંગ્રેસના વરિષ્ઠ નેતા પ્રમોદ તિવારીનું કહેવું છે કે, કેટલાક સપ્તાહ પહેલા મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને રાજસ્થાનમાં કોંગ્રેસને હરાવવાની વાત કરનારા હવે ઉત્તર પ્રદેશમાં પણ કોંગ્રેસને ઓછી આંકવાની ભૂલ કરી રહ્યા છે. તિવારીએ દાવો કર્યો કે, ઉત્તર પ્રદેશનું પરિણામ ચોંકાવનારું રહેશે. હું એટલુ વિશ્વાસ સાથે કહી શકું છું કે, મહિલાઓ, યુવાઓ અને ખેડૂતો કોંગ્રેસના પક્ષમાં ઉભા રહેવાની વાત કરી રહ્યાં છે. 


રાજનીતિક જાણકારોની માનીએ તો, હાલની સ્થિતિમાં કોંગ્રેસ ઊત્તર પ્રદેશમાં પોતાના વોટની ટકાવારીમાં વધારો જરૂર કરી શકે છે, પરંતુ 2009ની જેમ કોઈ પરિણામની શક્યતા બહુ જ ઓછી છે.