BJP નેતાએ માયાવતી પર વિવાદાસ્પદ ટીપ્પણી કરી, અખિલેશ યાદવ સહીતનાં નેતાઓ ભડક્યાં
સમાજવાદી પાર્ટી અધ્યક્ષ અખિલેશ યાદવે પોતે ટ્વીટ કરીને કહ્યું કે, ભાજપ મહાગઠબંધન બાદ કેટલુ ગિન્નાયું છે તેનું પરિણામ તેના નેતાઓનાં વાણીવિલાસ પરથી જોવા મળી રહ્યું છે
લખનઉ : 2019ની શરૂઆત થતાની સાથે જ દેશમાં લોકસભા ચૂંટણીનું રાજકારણ વધી ગયું છે. સત્તાપક્ષ હોય કે વિપક્ષ એક બીજા પર વ્યંગબાણ ચલાવી રહ્યા છે. હાલમાં જ એક નેતા દ્વારા બસપા સુપ્રીમો માયાવતી પર કરવામાં આવેલી ટીપ્પણી અંગે સમાજવાદી પાર્ટીએ આકરી પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પોતે ટ્વીટ કરીને કહ્યું કે, તે ભાજપનાં નૈતિક દેવાળીયાપણા અને હતાશાનું પ્રતિક છે.
સપા અધ્યક્ષ અખિલેશ યાદવે કહ્યું કે, મુગલસરાયથી ભાજપનાં મહિલા ધારાસભ્યએ જે પ્રકારે વિવાદાસ્પદ અપશબ્દ માયાવતી માટે પ્રયોગ કર્યો છે તે ખુબ જ નિંદનિય છે. તે ભાજપનાં નૈતિક દેવાળા અને હતાશાનું પ્રતિક છે. આ દેશની મહિલાનું પણ અપમાન છે.
સતીષચંદ્ર મિશ્રાએ ટીપ્પણીનો વિરોધ કર્યો
અખિલેશ પહેલા બસપા નેતા સતીષ ચંદ્ર મિશ્રાએ કહ્યું કે, સાધના સિંહનું નિવેદન ભાજપનું સ્તર દર્શાવે છે. સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધન બાદ ભાજપ નેતાઓના માનસિક સંતુલન ગોટાળે ચડ્યું છે અને તેમને આગરા અથવા બરેલીની મેન્ટલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવવા જોઇએ.
ભાજપ ધારાસભ્યની વિવાદાસ્પદ ટીપ્પણી
ભારતીય જનતા પાર્ટી (BJP) ધારાસભ્ય સાધનાસિંહે બહુજન સમાજ પાર્ટી (BSP) સુપ્રીમો માયાવતીના મુદ્દે અભદ્ર ભાષાનો ઉપયોગ કરીને રાજકીય ગલિયારાઓમાં હલચલ પેદા કરી દીધી છે. ભાજપ ધારાસભ્યએ એક જનસભા દરમિયાન કહ્યું કે, ઉત્તરપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી ન તો મહિલા લાગે છે અને ન તો પુરૂષ. જે મહિલાની ભારતીય જનતા પાર્ટીએ આબરૂ લુંટતા બચાવી, તેણે સુખ સુવિધા માટે પોતાનાં અપમાનને પણ પી લીધું. તેને પોતાનું સન્માન જ ખબર નથી પડતી.