પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે ગુજરાતમાં રહેતા બિહારના લોકોને રાજ્ય ન છોડવા માટે અપીલ કરતા જણાવ્યું છે કે, "તમે જ્યાં પણ રહેતા હોવ ત્યાં નિશ્ચિંત થઈને રહો." રાજ્યમાં પરપ્રાંતિયોમાં ઊભા થયેલા ભયના માહોલ અને તેમની હિજરત બાદ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે આ અપીલ કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પટનામાં એક કાર્યક્રમ બાદ પત્રકારો સાથેની વાતચીતમાં નીતિશ કુમારે જણાવ્યું કે, "અમારા રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી ગુજરાતના મુખ્ય સચિવ અને ડીજીપી સાથે સતત સંપર્કમાં છે. અમે સમગ્ર પરિસ્થિતી ઉપર નજર રાખી રહ્યા છીએ."


પીટીઆઈ અનુસાર, મુખ્યમંત્રી નીતિશ કુમારે વધુમાં જણાવ્યું કે, "હું ગુજરાતમાં રહેતા બિહારના લોકોને અપીલ કરું છું કે તેઓ જ્યાં પણ રહેતા હોય ત્યાં નશ્ચિંત બનીને રહે. અમે ગુજરાત સરકાર સાથે સતત સંપર્કમાં છીએ."


ઉલ્લેખનીય છે કે, હિંમતનગરમાં 14 માસની બાળકી પર બળાત્કારની ઘટના બાદ ગુજરાતમાં પરપ્રાંતિયો પર હુમલાની ઘટનાઓ વધી છે. જેને પગલે તેઓ ગુજરાત છોડીને વતન તરફ હિજરત કરી રહ્યા છે. આ સમગ્ર ઘટનાએ રાજકીય સ્વરૂપ ધારણ કર્યા બાદ બિહાર અને યુપીના મુખ્યમંત્રીએ ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી સાથે પણ સમગ્ર ઘટના બાબતે ચર્ચા કરી હતી અને રૂપાણીએ તમામ પરપ્રાંતિયોને સંપૂર્ણ સુરક્ષા પુરી પાડવાની ખાતરી આપી હતી.