જમ્મુ-કાશ્મીર : જમ્મુ-કાશ્મીરના શોપિયાં જિલ્લાની એક પ્રાઇવેટ સ્કૂલ બસ પર પથ્થરબાજીની ઘટનામાં બે વિદ્યાર્થીઓ ઘાયલ થઈ ગયા છે. પોલીસે આપેલી માહિતી પ્રમાણે અસામાજિક તત્વોના એક સમુહે શોપિયાં જિલ્લાના જાવુરામાં રેઇનબો હાઇસ્કૂલની બસ પર પથ્થરબાજી કરી હતી જેમાં બીજા ધોરણના વિદ્યાર્થીને માથામાં ઇજા પહોંચી છે. તોફાનીઓની આ હરકતની જમ્મુ-કાશ્મીના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ આકરી ટીકા કરી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઓમરે ટ્વિટ કર્યું છે કે, 'સ્કૂલના બાળકો કે પર્યટકોની બસ પર પથ્થરબાજી કરવાથી કઈ રીતે ફાયદો થઈ શકે? આ હુમલાનો સંયુક્તપણે વિરોધ કરવો જોઈએ અને મારી ટ્વીટ આનો હિસ્સો છે.'



હકીકતમાં પથ્થરબાજોની આ હરકતથી ઓમર અબ્દુલ્લા નારાજ છે. તેમનો દાવો છે કે કેટલાક લોકોને સુધરવા માટે રાહત આપવામાં આવી છે પણ કેટલાક ગુંડા આ વાતનો ખોટો ફાયદો ઉપાડી રહ્યા છે. હાલમાં પથ્થરબાજીના જે મામલા સામે આવ્યા છે તે ભારે નિંદનીય છે. 



આ ઘટના પછી ઘાયલ વિદ્યાર્થીઓને નજીકના એસકેઆઇએમએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. જે વિદ્યાર્થીને વધારે ઇજા પહોંચી છે તેનું નામ રેહાન ગોરસાઈ હોવાનું અને તે બીજા ધોરણમાં અભ્યાસ કરતો હોવાની માહિતી મળી છે. 


જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળો તેમજ પથ્થરબાજો વચ્ચે છાશવારે સંઘર્ષ થતો હોય છે પણ હવે પથ્થરબાજોની કરતુતનો શિકાર સ્કૂલના બાળકો બન્યા છે. મુખ્યમંત્રી મહેબુબા મુફ્તીએ પણ આ વાતની નિંદા કરી છે. તેમણે આ હુમલાને વખોડતું ટ્વીટ પણ કર્યું છે. 



હાલમાં જમ્મુ-કાશ્મીરમાં 4500થી વધારે યુવાનો સામે ફરિયાદ નોંધાયેલી છે. તેમના પર પહેલીવાર પથ્થરબાજીમાં શામેલ થવાનો આરોપ છે. આ વર્ષે જાન્યુઆરીમાં મહેબૂબા સરકારે કેન્દ્રિય ગૃહ મંત્રાલયની સલાહ પર પથ્થરબાજીમાં શામેલ 3685 યુવાનોને કેસ મુક્ત કરવામાં આવ્યા હતા.