ગ્વાલિયર : કેન્દ્ર સરકાર દ્વારા સેનેટરી નેપકિનને જીએસટીની સીમામાં લાવવાની ઘોષણા પછી મધ્યપ્રદેશમાં આ વાતનો વિરોધ જોવા મળ્યો. ગ્વાલિયરમા મહિલાઓએ સેનેટરી નેપકિનને ટેક્સ ફ્રી કરવા માટે ખાસ અભિયાન ચલાવ્યું છે. આ મહિલાઓે નિર્ણય લીધો છે કે બધા મળીને એક હજાર નેપકિન અને પોસ્ટકાર્ડ પર સાઇન કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મોકલશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નેપકિનને મોંઘવારીનો ફટકો
ગ્વાલિયરમાં રહેતી પ્રીતિ દેવેન્દ્ર જોશીએ મીડિયા સાથે વાત કરતી વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છતા અભિયાન પર વ્યંગ કર્યો છે. પ્રીતિનું કહેવું છે કે એક તરફ સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે અને બીજી તરફ મહિલાઓ દ્વારા માસિક ધર્મ દરમિયાન વાપરવામાં આવતા સેનેટરી નેપકિનને 'લક્ઝરી સામાન' ગણાવા્યો છે. પ્રીતિનો દાવો છે કે આ નેપકિન પહેલાંથી જ મોંઘા હતા અને હવે એના પર ટેક્સ લાગવાથી એ વધારે મોંઘા થઈ ગયા છે. 


મહિલાની જરૂરત
પ્રીતિનો દાવો છે કે 15થી 40 વર્ષની દરેક મહિલાને એક મહિનામાં ઓછામાં ઓછા 4થી 5 દિવસ નેપકિનની જરૂર પડે છે. મોંઘવારીના કારણે આમ પણ મહિલાઓ નેપકિન નથી ખરીદી શકતી. હવે જે રીતે નેપકિનના રેટ્સ વધી રહ્યા છે એ જોતા હવે મધ્યવર્ગની મહિલાઓ તો એને વાપરવાનું સપનામાં પણ નહીં વિચારી શકે. આ વાતની સીધી અસર મહિલાઓના સ્વાસ્થ્ય પર પડશે. 


નેપકિન પર નામ અને સંદેશ 
ગ્વાલિયરમાં મહિલાઓ દ્વારા ચલાવવામાં આવી રહેલા આ અભિયાનમાં છોકરીઓ અને મહિલાઓ નેપકિન પર તેમના નામ અને સંદેશ લખશે. આ અભિયાનને 5 માર્ચ સુધી ચલાવવામાં આવશે. આ અભિયાન પછી તમામ સંદેશા વડાપ્રધાનને મોકલીને સેનેટરી નેપકિન પરના ટેક્સને હટાવી દેવાની માગણી કરવામાં આવશે. મહિલાઓને આશા છે કે વડાપ્રધાન તેમની માગણી પર ચોક્કસ ધ્યાન આપશે.