રાજસ્થાનમાં વિધાનસભા ચૂંટણી હાલમાં પૂરી થઈ અને હવે મુખ્યમંત્રી કોણ બનશે તેના પર માથાપચ્ચી ચાલુ છે ત્યાં તો આ બધા વચ્ચે જયપુરમાં મંગળવારે એક મોટો હત્યાકાંડ થયો. બે હુમલાખોરોએ રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ ગોગામેડીની તેમના ઘરમાં ઘૂસીને હત્યા કરી નાખી. હુમલાખોરોએ જે બેખોફ અંદાજમાં આ હત્યાકાંડને અંજામ આપ્યો તેણે રાજસ્થાન સહિત સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ હત્યાકાંડના પગલે જયપુરમાં ગોગામેડીના સમર્થકો આક્રોશમાં છે. હુમલાખોરોની ધરપકડને લઈને સતત પ્રદર્શન કરી રહ્યા છે. જેને જોતા સુરક્ષા ચુસ્ત કરવામાંઆવી છે. આ બધા વચ્ચે રાજપૂત કરણી સેના સહિત કેટલાક અન્ય સંગઠનોએ બુધવારે રાજસ્થાન બંધની જાહેરાત કરી છે. સંગઠનોની માંગણી છે કે આ મામલે ન્યાયિક તપાસ થાય. 


કોંગ્રેસ નેતા પ્રતાપસિંહ ખાચરિયાવાસે તો એમ પણ  કહી દીધુ કે હવે સમય આવી ગયો છે કે પોલીસ આવા ક્રિમિનલ્સનું એન્કાઉન્ટ કરી નાખે. હાલ બંને આરોપીઓ પોલીસની પકડ બહાર છે. પોલીસને મળેલી માહિતી મુજબ ગોગામેડીએ પોલીસ પાસે સુરક્ષા માંગી હતી. તેમણે દાવો કર્યો હતો કે સંપત નહેરા ગેંગ અને અન્ય ક્રિમિનલ્સ તેમને ધમકી આપી રહ્યા હતા. જેને પગલે તેમની સુરક્ષાનો રિવ્યુ થઈ રહ્યો હતો. 


આ ફાયરિંગની ઘટનામાં એક હુમલાખોર નવીન શેખાવતનું પણ મોત થયું. રાજસ્થાનના ડીજીપી ઉમેશ મિશ્રાએ જણાવ્યું છે કે રોહિત ગોદારા ગેંગે હત્યાની જવાબદારી લીધી છે. રાજ્યપાલ કલરાજ મિશ્રાએ ડીજીપી પાસે રિપોર્ટ માંગ્યો છે. જો કે મીડિયા રિપોર્ટ્સ મુજબ ગોગોમેડીની હત્યાનું કાવતરું પંજાબના બઠિંડા જેલમાં રચાયું હતું. લોરેન્સ બિશ્નોઈ ગેંગ સાથે જોડાયેલા ગેંગસ્ટર સંપત નહેરાએ આ હત્યાકાંડનું કાવતરું રચ્યું હતું. પોલીસ હવે આ એંગલથી તપાસને આગળ વધારતા જલદી બઠિંડા જેલ પણ જઈ શકે છે. કરણી સેના અધ્યક્ષની હત્યાના મામલાએ તૂલ પકડી લીધો છે. આજે રાજસ્થાનમાં બંધના પગલે પોલીસ હાઈ એલર્ટ પર છે. રાજપૂત સમાજે ચેતવણી આપી છે કે જો હત્યારાઓ જલદી નહીં પકડાય તો મોટું આંદોલન થશે. 


આરોપીઓની થઈ ગઈ ઓળખ
શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારનારા બંને આરોપીઓની ઓળખ થઈ ગયી છે. એક આરોપીનું નામ રોહિત રાઠોર છે. જે નાગૌરના મકરાનાના રહીશ છે. બીજો આરોપી નીતિન ફૌજી છે. તે હરિયાણાના મહેન્દ્રગઢનો રહીશ છે. હાલ બંને ફરાર છે. બંનેએ મળીને સુખદેવ સિંહ ગોગામેડીને ગોળી મારીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 


શું હતી ઘટના?
5 ડિસેમ્બર મંગળવારના રોજ જયપુરમાં કપડાના વેપારી નવીન શેખાવત બે યુવકો સાથે રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના પ્રમુખ સુખદેવ સિંહ ગોગામેડીના ઘરે આવ્યા. સોફા પર એકબાજુ સુખદેવ બેઠા હતા અને સામે બે યુવક, બાજુમાં નવીન શેખાવત બેઠા હતા. કોઈ મામલે ચારેય વાતો કરી રહ્યા હતા. ત્યારે અચાનક સુખદેવના મોબાઈલ પર કોઈનો કોલ આવ્યો. જેવો તેમણે કોલ ઉઠાવ્યો કે નવીન સાથે આવેલા બંને યુવકોમાંથી એક યુવક ઉભો થયો અને ફાયરિંગ શરૂ કર્યું, સુખદેવને ગોળી મારી. પછી તો બીજા યુવકે પણ ફાયરિંગ શરૂ કરી દીધુ. સુખદેવને જેવ ગોળી વાગી તેમના શરીરમાંથી લોહીની ધારા વહેવા લાગી. ત્યાં હાજર સુખદેવના બોડીગાર્ડ કઈ સમજે તે પહેલા જ બંને યુવકોએ નવીન શેખાવત ઉપર પણ ફાયરિંગ શરૂ કર્યું. ગોગામેડાના ગાર્ડે તેમને બચાવવાની કોશિશ કરી પરંતુ બદમાશોએ તેમના ઉપર પણ ફાયરિંગ કર્યું. જતા જતા પણ એક બદમાશે ગોગામેડીના માથામાં ગોળી મારી. 


પછી બંને બદમાશો ત્યાંથી ભાગવા લાગ્યા. સુખદેવના ગાર્ડે તેમને રોકવાની કોશિશ કરી તો તેમના ઉપર પણ ફાયરિંગ કર્યું જેમાં ગાર્ડ અજીત સિંહ ગંભીર રીતે ઘાયલ થયો. જયપુરના પોલીસ કમિશનર બીજુ જ્યોર્જ જોસેફના જણાવ્યાં મુજબ આ સમગ્ર ઘટના સુખદેવના ઘરમાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ ગઈ. 20 સેકન્ડમાં 6વાર ગોળીઓ છૂટી. સમગ્ર ઘટનામાં 17 વખત ફાયરિંગ થયું. 


Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube