નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટના કોલેજિયમની એક મહત્વપૂર્ણ બેઠક શુક્રવારે થવાની સંભાવના છે. આ બેઠકમાં ઉત્તરાખંડ હાઇ કોર્ટના મુખ્ય ન્યાયાધિશ જસ્ટિસ કે.એ. જોસેફને સુપ્રીમ કોર્ટમાં પ્રમોશન કરવાના મામલે પુન:વિચાર થીઈ શકે છે. નોંધનીય છે કે કેન્દ્ર સરકારે થોડા દિવસ પહેલાં જસ્ટિસ જોસેફને સુપ્રીમ કોર્ટના જજ તરીકે પ્રમોશન આુપવાની દરખાસ્તને કોલેજિયમ પાસે પુન:વિચારણા માટે મોકલી દીધી હતી. આ મામલે સત્તાવાર રીતે તો કોઈ નિવેદન થી કરાયું પણ સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે કોલેજિયમમાં શામેલ પાંચ ન્યાયધિશોની સંમતિ મળે તો આ બેઠક ગમે ત્યારે થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સરકારે 28 એપ્રિલે ન્યાયમૂર્તિને જોસેફને સપ્રીમ કોર્ટના ન્યાયાધિશ તરીકે પ્રમોશન આપવાની ભલામણ કરતી ફાઇલ કોલેજિયમને પરત કરી દીધી હતી. કોલેજિયમે સુપ્રીમ કોર્ટના જજ તરીકે બે નામની ભલામણ કરતી હતી જેમાં કે.એમ. જોસેફ અને ઇંદુ મલ્હોત્રાનો સમાવેશ થતો હતો. સરકારે ઇંદુ મલ્હોત્રાના નામને તો મંજૂરી આપી દીધી છે પણ જસ્ટિસ જોસેફની ફાઇલને પુન:વિચારણા માટે પરત મોકલી દીધી છે.  સીજેઆઇ દીપક મિશ્રા, ન્યાયમૂર્તિ જે. ચેલમેશ્વર, ન્યાયમૂર્તિ રંજન ગોગોઈ, ન્યાયમૂર્તિ બી. લોકુર અને ન્યાયમૂર્તિ કુરિયન જોસેફના કોલેજિયમે કે.એમ. જોસેફના નામની ભલામણ કરી હતી. 


સરકારે જસ્ટિસ જોસેફની ફાઇલને પુન:વિચારણા માટે પરત મોકલી પછી આ મામલે જબરદસ્ત રાજનીતિ રમાઈ રહી છે. આ મામલે કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર આરોપ મૂક્યો છે કે જસ્ટિસે 2016માં ઉત્તરાખંડમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાને મંજૂરી નહોતી આપી જેના કારણે તેમની સાથે અન્યાય થઈ રહ્યો છે. કોંગ્રેસના ટોચના નેતા પી. ચિદંબરમે આ પ્રકારનો આરોપ મૂકતું ટ્વીટ પણ કર્યુ છે. હકીકતમાં 2016માં ઉત્તરાખંડમાં કોંગ્રેસ શાસન દરમિયાન રાજકીય સંકટ ઉભું થઈ જતા મોદી સરકારે રાષ્ટ્રપતિ શાસન લાદવાની ભલામણ કરી હતી. આ નિર્ણય વિરૂદ્ધ  કોંગ્રેસે હાઇ કોર્ટમાં અપીલ કરી હતી જેના પગલે હાઇ કોર્ટે આ ભલામણને ફગાવી દીધી હતી. આ નિર્ણય જસ્ટિસ જોસેફના વડપણ હેઠળની ખંડપીઠે જ લીધો હતો. હવે ચર્ચા છે કે તેમને આ નિર્ણયની સજા મળી રહી છે.