નુપુર શર્માની અરજી પર સુનાવમી કરતા સુપ્રીમ કોર્ટે તેમને વચગાળાની રાહત આપી છે. નુપુર શર્માની ધરપકડ પર 10 ઓગસ્ટ સુધી રોક લગાવવામાં આવી છે. તે જ દિવસે કેસની આગામી સુનાવણી થશે. કોર્ટે કહ્યું છે કે કોઈ દંડાત્મક કાર્યવાહીના પગલાં લેવામાં ન આવે. સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો (જ્યાં જ્યાં એફઆઈઆર નોંધાઈ છે તે રાજ્યો) ને નોટિસ પણ પાઠવી છે. કોર્ટમાં નુપુર શર્માના વકીલે કહ્યું કે નુપુરને સતત ધમકીઓ મળી રહી છે. ગત આદેશ બાદ કેટલાક મહત્વપૂર્ણ ઘટનાક્રમ થયા છે. જીવનું પણ જોખમ છે. પાકિસ્તાનથી એક વ્યક્તિ આવી તેવા પણ અહેવાલ છે. પટણામાં તે વ્યક્તિને અટકાયતમાં લેવાયો છે. 


કેન્દ્ર અને રાજ્ય સરકારોને નોટિસ
પયગંબર ટિપ્પણી વિવાદમાં સુપ્રીમ કોર્ટે નુપુર શર્માની અરજી પર દિલ્હી, પશ્ચિમ બંગાળ, અને મહારાષ્ટ્ર જેવા રાજ્યોને નોટિસ પાઠવી છે. કોર્ટે પોતાના આદેશમાં નુપુર શર્માને જીવનું જોખમ હોવાની વાતનો પણ ઉલ્લેખ કર્યો છે. કોલકાતા પોલીસે લુકઆઉટ સર્ક્યુલર બહાર પાડ્યું છે જેના કારણે તેમની ધરપકડની આશંકા છે. પયગંબર મોહમ્મદ અંગે વિવાદિત ટિપ્પણીને પગલે અલગ અલગ રાજ્યોમાં 9 એફઆઈઆરનો સામનો કરી રહેલા નુપુર શર્માએ સુપ્રીમ કોર્ટમાં ફરીથી અરજી કરી હતી. જેના પર આજે સુનાવણી થઈ. પોતાની અરજીમાં નુપુર શર્માએ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટની ટિપ્પણીઓ બાદ તેમને જીવનું જોખમ વધી ગયું છે. નુપુરે કોર્ટ પાસે ધરપકડ પર રોક લગાવવાની સાથે સાથે તમામ એફઆઈઆર દિલ્હી ટ્રાન્સફર કરીને એક સાથે સુનાવણી કરવાની પણ માંગણી કરી હતી. 


Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube