લોકપાલ નિયુક્તિમાં લાલીયાવાડી મુદ્દે સુપ્રીમે કેન્દ્રની ઝાટકણી કાઢી
કેન્દ્ર તરફથી એટોર્ની જનરલ કે.કે વેણુગોપાલે લોકપાલની નિયુક્તિ અંગે સરકારની તરફથી પ્રાપ્ત લેખિત નિર્દેશો સોંપ્યા હતા
નવી દિલ્હી : લોકપાલની નિયુક્તિમાં થઇ રહેલી લાલીયાવાડી અંગે સુપ્રીમ કોર્ટે નારાજગી વ્યક્ત કરી છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું કે, તેઓ 10 દિવસની અંદર લોકપાલની નિયુક્તિની સમય સીમા નિશ્ચિત કરે અને તે અંગેની માહિતી આપે. ન્યાયમૂર્તિ રંજન ગોગોઇ અને ન્યાયમૂર્તિ આર. ભાનુમતિની પીઠે સરકારને કહ્યું કે, દેશમાં લોકપાલની નિયુક્તિ માટે ઉઠાવવામાં આવતા સંભવિત પગલાઓની માહિતી આપતા 10 દિવસની અંદર હલફનામું દાખલ કરવું.
કેન્દ્રની તરફથી એટોર્ની જનરલ કે.કે વેણુગોપાલે લોકપાલની નિયુક્તિ અંગે સરકારની તરફથી મળેલા લેખીત નિર્દેશો સોંપ્યા. પીઠે આ મુદ્દે સુનવણી માટે આગામી તારીખ 17 જુલાઇ નિશ્ચિત કરી છે. કોર્ટ બિન સરકારી સંગઠન કોમન કોઝની તરફથી દાખલ અવમાનના અરજી અંગે સુનવણી કરી રહ્યું હતું. અરજીમાં 27 એપ્રીલ, 2017ના કોર્ટનાં આદેશ છતા લોકપાલની નિયુક્તિ નહી કરવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.
કોર્ટે ગત્ત વર્ષે પોતાનાં ચુકાદામાં કહ્યું હતું કે પ્રસ્તાવિત સંશોધનોના સંસદમાં પસાર થવા સુધી લોકપાલ કાયદાને નિલંબિદ રાખવું ન્યાયોચિત નથી. અત્રે નોંધનીય છે કે લોકપાલનો મુદ્દો છેલ્લા ઘણા વર્ષોથી લટકી રહ્યો છે. આ મુદ્દે અન્ના હજારે સહિતનાં લોકો આંદોલન પણ કરી ચુક્યા છે. આ આંદોલન બાદ આમ આદમી પાર્ટીનો પણ જન્મ થયો જે હાલ દિલ્હીમાં સત્તા ભોગવી રહી છે. પરંતુ હજી સુધી આ મુદ્દે કોઇ ઉકેલ આવી શક્યો નથી.