Oxygen Crisis પર કેન્દ્રએ SC ને આપ્યો જવાબ, કહ્યું- 700 MT ઓક્સિજનની માગણી યોગ્ય નથી
દેશની રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ.
નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીની હોસ્પિટલોમાં ઓક્સિજનની અછત અંગે સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી થઈ. આ દરમિયાન કેન્દ્ર સરકાર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દિલ્હીની 700 મેટ્રિક ટનની માગણી યોગ્ય લાગતી નથી.
દિલ્હીની 700 મેટ્રિક ટનની માગણી યોગ્ય નથી
સુપ્રીમ કોર્ટમાં સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે દિલ્હીની 700 મેટ્રિક ટનની માગણી યોગ્ય નથી. તેનાથી બીજા રાજ્યોને નુકસાન થશે. આ બાજુ ઓક્સિજન સપ્લાયની નોડલ એજન્સીના એડિશનલ સચિવ સુમિતા ડાવરાએ કહ્યું કે પહેલા દિલ્હીને જે 490 મેટ્રિક ટન ઓક્સિજન અપાયો તેનો મોટો હિસ્સો કાશીપુરથી આવ્યો હતો. તેનાથી ઉત્તરાખંડના કેટલાક ભાગમાં ઓક્સિજનની અછત થઈ ગઈ.
હોસ્પિટલોમાં 478 મેટ્રિક ટન ઓક્સિજનની ભંડાર ક્ષમતા
આરોગ્ય મંત્રાલયના અધિક સચિવ સુમિતા ડાવરાએ કહ્યું કે એક હિસ્સો 460 મેટ્રિક ટનનો હાલ ફાળવણી થઈ રહ્યો છે. 140 મેટ્રિક ટનનું સંચાલન 9મી મેથી કરવામાં આવશે. કુલ ક્રાયોજેનિક ટેન્કરના 53 ટકા ભાગને દિલ્હીને સપ્લાય કરવામાં જ લગાવવામાં આવ્યો છે. 6 કન્ટેઈનર્સ પણ લગાવવામાં આવ્યા છે. આગામી થોડા દિવસમાં તેની સંખ્યા 24 થશે. જેમાં ભરેલા અને પાછા પ્લાન્ટ સુધી લઈ જનારા કન્ટેઈનર્સ પણ સામેલ રહેશે. 56 મુખ્ય હોસ્પિટલોમાં 478 મેટ્રિક ટન ઓક્સિજનની ભંડાર ક્ષમતા છે.
કદાચ દિલ્હીની સપ્લાય સિસ્ટમમાં કઈક મુશ્કેલી-એસજી
સોલિસિટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે ઓક્સિજનના ઓડિટની જરૂર છે. કારણ કે સપ્લાય થઈ રહ્યો છે પરંતુ લોકો સુધી પહોંચી રહ્યો નથી. આપૂર્તિ દિલ્હી સુધી પહોંચવા દો અને દિલ્હીના એક જવાબદાર અધિકારીને તેની વિગતો આપવાનું કહો. તેમણે કહ્યું કે દિલ્હીની હોસ્પિટલોમાં કુલ સ્ટોરેજની ક્ષમતા 400 મેટ્રિક ટનની નજીક છે. અમને ચિંતા છે કે અમે બીજા રાજ્યોનો 300 મેટ્રિક ટન પણ દિલ્હીને આપી રહ્યા છીએ. આમ છતાં દિલ્હીના જરૂરિયાતવાળા લોકોને પહોંચી રહ્યો નથી. કદાચ દિલ્હીની સપ્લાય સિસ્ટમમાં જ કઈક મુશ્કેલી હોય. તે જોવું જોઈએ.
સારી તૈયારીથી ત્રીજી લહેરને પહોંચી શકીશું-સુપ્રીમ
જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે, ઘર પર સારવાર કરી રહેલા લોકોને પણ ઓક્સિજનની જરૂર છે. આથી ઓક્સિજનની જરૂરિયાતને રોકવાનો ફોર્મ્યુલા ખોટો છે. આમ છતાં એ સાચુ છે કે આપણે સમગ્ર દેશ માટે વિચારવાનું છે. હાલ જો આપણે પુરતી તૈયારી કરીશું તો કોવિડનો ત્રીજો ફેઝ આવતા આપણે તેને સારી રીતે પહોંચી શકીશું.
બાળકોના રસીકરણ વિશે વિચારવું જોઈએ
સુનાવણી દરમિયાન જસ્ટિસ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે ચિંતાની વાત છે કે વૈજ્ઞાનિકો કોરોના વાયરસની ત્રીજી લહેરની વાત કરી રહ્યા છે અને તેમાં બાળકોના પ્રભાવિત થવાની આશંકા છે. આથી રસીકરણ અભિયાનમાં બાળકો માટે વિચારવું જોઈએ. તેમણે વધુમાં કહ્યું કે 'ત્રીજી લહેરને કેવી રીતે પહોંચી વળવાનું છે, તેની તૈયારી અત્યારથી કરવી પડશે. જો બાળકો પર કોરોનાની અસર પડે, તો કેવી રીતે સંભાળશો? કારણ કે બાળકો તો પોતે જાતે હોસ્પિટલ જઈ શકતા નથી.'
દિલ્હીને રોજ મળે 700 મેટ્રિક ટન ઓક્સિજન
અત્રે જણાવવાનું કે સુપ્રીમ કોર્ટે બુધવારે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો અને કોર્ટે સરકારને નિર્દેશ આપ્યો હતો કે દિલ્હીને સોમવાર સુધી 700 મેટ્રિક ટન ઓક્સિજનનો સપ્લાય થવો જોઈએ અને તેનાથી ઓછો ન કરવો જોઈએ. આ સાથે જ સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કહ્યું હતું કે તમે પ્લાન જણાવો કે 700 મેટ્રિક ટન ઓક્સિજનનો સપ્લાય ક્યાથી અને કેવી રીતે સુનિશ્ચિત થશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube