ખાણમા ફસાયેલા મજુરો મુદ્દે મેઘાલય સરકારનાં ઉદાસીન વલણ સામે સુપ્રીમની લાલ આંખ
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું કે, 1-1 સેકંડ કિંમતી છે, જરૂર પડે તો સેનાની મદદ લેવામાં આવે, થાઇલેન્ડમાં પાવર પંપ મોકલી શકાય તો મેઘાલયમાં શા માટે નહી
નવી દિલ્હી : મેઘાલયનાં જયંતિયા હિલ્સ જિલ્લામાં કોલસાની ખાણમાં ફસાયેલા મજુરોનો મુદ્દો સુપ્રીમ કોર્ટ પહોંચી ચુક્યો છે. મજુરોને બનાવવા માટે અને યોગ્ય પગલા ઉઠાવવાની માંગ સાથેની જનહિત અરજી અંગે સુપ્રીમ કોર્ટે આજે સુનવણી કરી. આ દરમિયાન સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકારને પુછ્યું કે, અત્યાર સુધી મજુરોને કેમ નથી બચાવી શકાયા. સુનવણી દરમિયાન સુપ્રીમ કોર્ટ રાજ્ય સરકારને કોલસાની ખાણમાં ફસાયેલા 15 મજુરોનાં બચાવ અભિયાન અંગેની વિસ્તૃત માહિતી માંગી.
આ અંગે રાજ્ય સરકારે સુપ્રીમમાં જવાબ દાખલ કરતા જણાવ્યું કે, મજુરોને બચાવવા માટે સંપુર્ણ પ્રયાસો થઇ રહ્યા છે. 14 ડિસેમ્બરથી 72 એનડીઆરએફ કર્મચારી નૌસેના તથા કોલ ઇન્ડિયાનાં 14 કર્મચારીઓ સતત કામ કરી રહ્યા છે. જો કે સુપ્રીમે કહ્યું કે, આટલા પ્રયાસો છતા પણ આખરે તમે લોકો સફળ કેમ નથી થઇ રહ્યા ? સુપ્રીમે મેઘાલય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, અમે બચાવ કાર્યથી સંતુષ્ટ નથી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને શુક્રવારે તે જણાવવા કહ્યું કે, મેઘાલયની કોલસાની ખાણમાં ફસાયેલા 15 લોકોને કાઢવા માટે શું કરવામાં આવી રહ્યું છે. કોર્ટે કહ્યું કે, 1-1 સેકંડ કિંમતી છે. જરૂર પડે તો સેનાની મદદ લેવામાં આવે. જો થાઇલેન્ડમાં હાઇ પાવર પંપ મોકલવામાં આવી શકે છે તો મેઘાલયમાં કેમ નથી મોકલાઇ રહ્યા.
સુપ્રીમે આ મુદ્દે ચિંતા વ્યક્ત કરી. સુપ્રીમ કોર્ટે મેઘાલય સરકારની ઝાટકણી કાઢતા કહ્યું કે, તમે અત્યાર સુધી મજુરોને બહાર કાઢવા માટે પગલા ઉઠાવ્યા. કોર્ટે મેઘાલય સરકારનાં રેસક્યું ઓપરેશન અંગે પણ અસંતોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લા 3 અ્ઠવાડીયાથી મજુરો ફસાયેલા છે અને અત્યાર સુધી તેમની કોઇ જ ભાળ નથી મળી ? સુપ્રીમ કોર્ટ કેન્દ્ર સરકારનાં વકીલને પણ તુરંત હાજર થવા જણાવ્યું.
15 ખાણ મજુરો 13 ડિસેમ્બરે એક કોલસાની ખાણમાં ફસાઇ ગયા હતા. ખાણમાં ફસાયેલા લોકોને બચાવવા માટે એનડીઆરએફની ટીમે 70 અધિકારીઓ હાજર કર્યા. સ્થાનિક તંત્ર પાસે NDRF દ્વારા 100HP પંપની માંગ કરવામાં આવી હતી, જો કે હજી સુધી કોઇ પગલું ઉઠાવવામાં આવ્યું નથી. અધિકારીઓનું કહેવું છે કે હજી સુધી માત્ર 3 હેલમેટ મળી શક્યા છે. લગભગ 300 ફુટની ખાણમાં ફસાયેલા લોકો અંગે હજી સુધી કોઇ જ માહિતી મળી શકી નથી.