Wife Property: દરેક પતિએ ખાસ જાણવા જેવી માહિતી, પત્નીના `સ્ત્રીધન` પર પતિનો કોઈ હક નથી
Stridhan Supreme Court Judgement: સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારો સંલગ્ન એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટના જણાવ્યાં મુજબ પત્નીના સ્ત્રીધન પર પતિનો કોઈ હક બનતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો પત્નીની પ્રોપર્ટી પર પતિનો કોઈ પણ હક નથી
Stridhan Supreme Court Judgement: સુપ્રીમ કોર્ટે મહિલા અધિકારો સંલગ્ન એક મહત્વનો ચુકાદો આપ્યો છે. કોર્ટના જણાવ્યાં મુજબ પત્નીના સ્ત્રીધન પર પતિનો કોઈ હક બનતો નથી. બીજા શબ્દોમાં કહીએ તો પત્નીની પ્રોપર્ટી પર પતિનો કોઈ પણ હક નથી. કોર્ટે કહ્યું કે મુસીબતના સમયે પતિ જરૂર પત્નીની સંપત્તિનો ઉપયોગ કરી શકે. પરંતુ બાદમાં તેણે પત્નીને પાછું આપી દેવું તે તેની નૈતિક જવાબદારી બને છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને જસ્ટિસ દીપાંકર દત્તાની બેન્ચે કહ્યું કે 'સ્ત્રીધન' પ્રોપર્ટી લગ્ન બાદ પતિ અને પત્નીની જોઈન્ટ પ્રોપર્ટી બનતી નથી. પતિનો તે સંપત્તિ પર કોઈ પણ પ્રકારનો માલિકી હક નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન પરસ્પર વિશ્વાસ પર ટકેલા છે. સુપ્રીમ કોર્ટે એક કેસમાં ચુકાદો આપતા આ ટિપ્પણી કરી. કોર્ટ એક મહિલાની અરજી પર સુનાવણી કરી રહી હતી જેમાં તેના પતિએ તેના પિયરથી મળેલું સોનું રાખી લીધુ હતું. કોર્ટે આદેશ આપ્યો કે સોનાના બદલામાં પતિ તેની પત્નીને 25 લાખ રૂપિયા આપે. આ ચુકાદાની મહત્વની વાતો જાણો....
શું હતો મામલો
મહિલાના જણાવ્યાં મુજબ લગ્ન સમયે તેને તેના પરિવાર તરફથી સોનાના 89 સિક્કા ભેટમાં મળ્યા હતા. લગ્નની પહેલી રાતે જ પતિએ પત્નીના બધા દાગીના રાખી લીધા. ઘરેણા સુરક્ષિત રાખવાના નામ પર તેની માતાને સોંપી દીધા. મહિલાનો આરોપ છે કે તેના પતિ અને સાસુએ ઘરેણામાં હેરફેર કરી. પોતાનું કરજ ચૂકવવા માટે તેમણે મહિલાના ઘરેણા વેચી દીધા.
કોર્ટમાં પહોંચ્યો મામલો
2011માં ફેમિલી કોર્ટે જાણ્યું કે પતિ અને તેની માતાએ મહિલાના સોનાના દાગીનામાં ગબન કર્યું હતું. કોર્ટે કહ્યું કે મહિલાને જે નુકસાન થયું તે તેની ભરપાઈની હકદાર છે. પતિએ ફેમિલી કોર્ટના ચુકાદા વિરુદ્ધ કેરળ હાઈકોર્ટમાં અરજી કરી. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના ચુકાદાને પલટી નાખ્યો. કહ્યું કે મહિલા એ સાબિત કરી શકી નથી કે તેના પતિ અને સાસુએ ઘરેણા સાથે છેડછાડ કરી હતી. ત્યારબાદ મહિલા સુપ્રીમ કોર્ટમાં ગઈ.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું
જસ્ટિસ ખન્ના અને જસ્ટિસ દત્તાની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે સ્ત્રીધન પતિ અને પત્નીની જોઈન્ટ પ્રોપર્ટી નથી. પત્નીની સંપત્તિ પર પતિનો કોઈ હક બનતો નથી. કોર્ટે કહ્યું કે પતિનો તેની (પત્ની)ના સ્ત્રીધન સંપત્તિ પર કોઈ નિયંત્રણ નથી. તે મુસીબત સમયે ઉપયોગમાં લઈ શકે પરંતુ તેને પાછું આપવું એ પતિની નૈતિક ફરજ છે.
સ્ત્રીધન શું હોય છે
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લગ્ન પહેલા , લગ્ન વખતે અને વિદાય કે ત્યારબાદ મહિલાને ભેટમાં મળેલી સંપત્તિઓ તેનું સ્ત્રીધન હોય છે. જેના પર તેનો હક હોય છે અને તે પોતાની ઈચ્છા મુજબ જે ધારે તે કરી શકે છે.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મહિલાએ 89 સોનાના સિક્કાના બદલામાં રૂપિયાની વસૂલી માટે સફળતાપૂર્વક કાર્યવાહી શરૂ કરી છે. વર્ષ 2009માં તેનું મૂલ્ય 8.90 લાખ રૂપિયા હતું. બેન્ચે કહ્યું કે આ દરમિયાન ફેમિલી કોર્ટના ચુકાદાને યથાવત રાખવો એ તેની સાથે અન્યાય હશે. સમય વિતવા સાથે, જીવન નિર્વાહ માટે વધતો ખર્ચો અને સમાનતા તથા ન્યાયના હિતને ધ્યાનમાં રાખતા, અમે બંધારણની કલમ 142 દ્વારા અપાયેલી શક્તિનો ઉપયોગ કરતા અરજીકર્તાને 25,00,000 રૂપિયાની રકમ મળે યોગ્ય સમજીએ છીએ.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube