સુપ્રીમ કોર્ટે એક મહત્વપૂર્ણ ચુકાદામાં જણાવ્યું છે કે ભલે સંપત્તિનો અધિકાર હવે મૌલિક અધિકાર નથી, પરંતુ તે હજુ પણ એક બંધારણીય હક છે. આવામાં કાયદા મુજબ યોગ્ય વળતર ચૂકવ્યા વગર કોઈ પણ વ્યક્તિ પાસેથી તેની સંપત્તિ લઈ શકાય નહીં. સુપ્રીમ કોર્ટે કર્ણાટક હાઈકોર્ટના 2022ના ચુકાદા વિુરદ્ધ દાખલ થયેલી અરજી સંબંધિત આ મહત્વની ટિપ્પણી કરી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જસ્ટિસ બી આર ગવાઈ અને કે વી વિશ્વનાથનની પીઠે કહ્યું કે સંપત્તિનો અધિકાર એક બંધારણીય અધિકાર હોવાની સાથે સાથે માનવ અધિકાર પણ છે. પીઠે કલ્યાણકારી રાજ્યમાં સંપત્તિના અધિકારની પવિત્રતા પર ભાર મૂકતા કહ્યું કે કાનૂન મુજબ પૂરતું વળતર ચૂકવ્યા વગર કોઈ પણ વ્યક્તિને તેની સંપત્તિથી વંચિત કરી શકાય નહીં. સુપ્રીમે બેંગ્લુરુ-મૈસૂર ઈન્ફ્રાસ્ટ્રક્ચર કોરિડોર પ્રોજેક્ટ (બીએમઆઈસીપી) માટે જમીન સંપાદન માટે લાંબા સમયથી પેન્ડિંગ વળતર સંબંધિત એક કેસમાં આ ચુકાદો આપ્યો. પીઠે પોતાના ચુકાદામાં કહ્યું કે એ વાત સાચી છે કે બંધારણના 44માં સંશોધન અધિનિયમ, 1978 હેઠળ સંપત્તિનો અધિકાર હવે મૌલિક અધિકાર નથી રહ્યો. પરંતુ કલ્યાણકારી રાજ્યમાં તે માનવ અધિકાર અને બંધારણની કલમ 300એ હેઠળ બંધારણીય અધિકાર છે. સુપ્રીમે કહ્યું કે કલમ 300એ હજુ પણ લોકોને કાનૂની અધિકાર વગર તેમની સંપત્તિથી બેદખલ થતા બચાવે છે. આવામાં કોઈ વ્યક્તિને કાયદા મુજબ પૂરતું વળતર આપ્યા વગર તેની સંપત્તિ લઈ શકાય નહીં.  સુપ્રીમ કોર્ટે સ્પષ્ટપણે કહ્યું કે સંપત્તિ હોવી એ નાગરિકનો બંધારણીય હક છે. જો કોઈ નાગરિક પાસેથી સંપત્તિ લેવામાં આવે તો કાયદા પ્રમાણે તેને પૂરતું વળતર આપવું જ જોઈએ. લોકો પાસેથી જમીન લીધે 22 વર્ષ થવા છતાં વળતર ન મળવા મુદ્દે પણ સુપ્રીમે નારાજગી વ્યક્ત કરી. 


શુ છે મામલો
જાન્યુઆરી 2003માં પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માટે કર્ણાટક ઔદ્યોગિક ક્ષેત્ર વિકાસ બોર્ડ (કેઆઈએડીબી)એ એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને નવેમ્બર 2005માં અપીલકર્તાઓની જમીન પર કબજો કરી લેવાયો હતો. સુપ્રીમ કોર્ટે આ કેસમાં જાણ્યું કે પ્રોજેક્ટ માટે લોકોની જમીન પર કબજો કરાયો અને તેમને તેના બદલામાં વળતર પણ ન અપાયું. વળતર વગર જ લોકોને તેમની જમીનથી વંચિત કરી દેવાયા હતા. કોર્ટે કહ્યું કે છેલ્લા 22 વર્ષથી આ જમીન માલિકોએ અનેકવાર કોર્ટના દરવાજા ખખડાવ્યા. 


પીઠે કહ્યું કે અનાદરની કાર્યવાહીમાં નોટિસ બહાર પડ્યા બાદ જ વિશેષ જમીન સંપાદન અધિકારી (SLAO) એ 22 એપ્રિલ 2019ના રોજ સંપાદિત જમીનનું બજાર મૂલ્ય નક્કી કરવા માટે 2011માં પ્રચલિત દિશા નિર્દેશ મૂલ્યોને ધ્યાનમાં રાખતા વળતર નક્કી કર્યું હતું. આ સાથે જ કોર્ટે કહ્યું કે જો વર્ષ 2003ના બજાર મૂલ્ય હેઠળ લોકોને વળતર આપવાની મંજૂરી અપાઈ તો આ ન્યાયની મજાક ઉડાવવા અને કલમ 300એ હેઠળ બંધારણીય જોગવાઈઓની મજાક કરવી જેવું હશે. એટલે કે જમીન ભલે 2003માં લીધી પરંતુ વળતર 2019ના બજાર મૂલ્ય પ્રમાણે આપવું પડશે. સુપ્રીમ કોર્ટે ભારતના બંધારણની કલમ 142 હેઠળ કોર્ટની શક્તિનો ઉપયોગ કરતા SLAO ને નિર્દેશઆપ્યો કે 22 એપ્રિલ 2019ના બજાર મૂલ્ય પ્રમાણે લોકોને તેમની જમીનનું વળતર આપવું જોઈએ.