આધારને સુપ્રીમે આપી બંધારણીય માન્યતા, કહ્યું-Aadhaar ને બેંક સાથે લિંક કરવું જરૂરી નથી
કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ આધાર કાર્યક્રમ અને તેના સંબંધિત 2016ના કાયદાને બંધારણીય માન્યતાને પડકારનારી કેટલીક અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આધારને બંધારણીય માન્યતા આપી.
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મહત્વપૂર્ણ આધાર કાર્યક્રમ અને તેના સંબંધિત 2016ના કાયદાને બંધારણીય માન્યતાને પડકારનારી કેટલીક અરજીઓ પર સુપ્રીમ કોર્ટે આજે મહત્વપૂર્ણ ચુકાદો આપતા આધારને બંધારણીય માન્યતા આપી. સવારે લગભગ 11 વાગે જસ્ટિસ એ કે સીકરીએ ચીફ જસ્ટિસ દીપક મિશ્રા અને જસ્ટિસ ખાનવિલકર તરફથી ચુકાદો વાંચવાનો શરૂ કર્યો. જસ્ટિસ સીકરીએ કહ્યું કે આધાર દેશમાં સામાન્ય માણસની ઓળખ બની ગયો છે.
જસ્ટિસ સીકરીએ કહ્યું કે આધાર કાર્ડ અને ઓળખ વચ્ચે એક મૌલિક અંતર છે. બાયોમેટ્રિક જાણકારી ભેગી થયા બાદ તે સિસ્ટમમાં બની છે. આધારથી ગરીબોને તાકાત અને ઓળખ મળી છે. આધાર સામાન્ય માણસની ઓળખ બની ગયુ છે. આધાર કાર્ડના ડુપ્લીકેટ બનવાનો કોઈ વિકલ્પ નથી. આધાર કાર્ડ બિલકુલ સુરક્ષિત છે.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે આધારથી સમાજના એક વર્ગને તાકાત મળી છે. આધાર પર હુમલો બંધારણની વિરુદ્ધ છે. સારું હોવા કરતા કઈંક અલગ હોવું એ છે, આધાર અલગ છે. સુપ્રીમ કોર્ટે વધુમાં કહ્યું કે ડેટા પ્રોટેક્શન પર કેન્દ્ર કડક કાયદો બનાવે, આદારમાં ડેટાને સુરક્ષાની પૂરતી વ્યવસ્થા છે. ડેટા સુરક્ષા માટે UIDAI પૂરતી વ્યવસ્થા કરી છે.
ચુકાદાની મહત્વની વાતો
આધાર કાર્ડ આજે ભારતીય સમાજના વર્ગનો મહત્વનો હિસ્સો બની ચૂક્યું છે. ગરીબ વર્ગના લોકોને એક અલગ તાકાત મળી છે જેનાથી તેઓ પોતાનો હક મેળવી રહ્યાં છે.
અન્ય ઓળખ પત્રની સરખામણીમાં આધાર કાર્ડમાં ડુપ્લીકેસીની શક્યતા નથી. આધાર બનાવવા માટે UIDAI લોકો પાસેથી મામુલી બાયોમેટ્રિક આંકડા લે છે.
ડેટા સુરક્ષિત કરવા માટે UIDAIએ પહેલા જ તમામ બંદોબસ્ત કર્યા છે. સરકારને નિર્દેશ આપતા કહ્યું કે તેઓ ડેટા પ્રોટેક્શન પર જેમ બને તેમ જલદી કડક કાયદાનું નિર્માણ કરે.
સુપ્રીમે પોતાના ચુકાદામાં કહ્યું કે ખાનગી કંપનીઓ આધાર માંગી શકે નહીં. કોર્ટે એ પણ કહ્યું કે CBSC, NEET અને UGC માટે આધાર જરૂરી નથી, શાળાઓમાં પ્રવેશ માટે પણ આધાર જરૂરી નહીં રહે.
કોર્ટે કહ્યું કે આધાર વ્યાપક પબ્લિક ઈન્ટરેસ્ટને જુએ છે અને સમાજના હાસિંયા પર બેઠેલા લોકોને તેનાથી ફાયદો થશે. ડેટાને 6 મહિનાથી વધુ સ્ટોર નહીં કરાય. 5 વર્ષ સુધી ડેટા રાખવો બેડ ઈન લો છે.
આધાર કાર્ડને બેંક સાથે લિંક કરવું જરૂરી નથી, પરંતુ પેન કાર્ડ સાથે લિંક કરવું જરૂરી રહેશે. મોબાઈલ સિમ માટે આધાર કાર્ડ આપવું જરૂરી નથી.
સાડા ચાર મહિનામાં 38 દિવસ થઈ સુનાવણી
સેવાનિવૃત્ત જજ પુત્તાસામી સહિત અનેક લોકોએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરીને આધારની કાયદાકીય માન્યતાને પડકારી છે. અરજીઓમાં ખાસ કરીને આધાર માટે ભેગા કરવામાં આવતા બાયોમેટ્રીક ડેટાથી પ્રાઈવસીના અધિકારનો ભંગ થઈ રહ્યો હોવાની દલીલ કરાઈ છે. આધારની સુનાવણી દરમિયાન જ કોર્ટમાં પ્રાઈવસીના અધિકારને મૌલિકતાનો અધિકાર ગણાવાયો હતો. ત્યારબાદ કોર્ટે આધારની સુનાવણી અધવચ્ચે રોકીને પ્રાઈવસીના મૌલિક અધિકાર પર બંધારણીય પેનલે સુનાવણી કરી અને પ્રાઈવસીને મૌલિક અધિકાર જાહેર કર્યો હતો. ત્યારબાદ પાંચ ન્યાયાધીશોએ આધારની કાયદેસર માન્યતા પર સુનાવણી શરૂ કરી હતી. આ કેસમાં કુલ સાડા ચાર મહિનામાં 38 દિવસ સુધી સુનાવણી ચાલી હતી.
શું છે સમગ્ર મામલો
આધારની બંધારણીય માન્યતાને પડકારનારા અરજીકર્તાઓ તરફથી વરિષ્ઠ વકીલ શ્યામ દીવાન, અરવિંદ દત્તાર, ગોપાલ સુબ્રમણ્યમ, પી ચિદમ્બરમ, કેવી વિશ્વનાથન, સહિત અડધા ડઝનથી વધુ લોકોએ દલીલ કરી અને આધારને પ્રાઈવસીના અધિકારનો ભંગ ગણાવ્યો હતો. અરજીકર્તાઓનું કહેવું હતું કે ભેગા કરવામાં આવેલા ડેટાની પુરતી સુરક્ષાનો બંદોબસ્ત નથી. આ ઉપરાંત બાયોમેટ્રિક ઓળખ ભેગી કરવા માટે કોઈ પણ વ્યક્તિને વાસ્તવિકતાથી 12 અંકોની સંખ્યામાં ફેરવવામાં આવી રહી છે. અરજીકર્તાઓએ આધાર કાયદાને મૌલિક અધિકારોનો ભંગ ગણાવીને રદ કરવાની માગણી કરી છે. એવો પણ આરોપ લગાવ્યો હતો કે સરકારે દરેક સુવિધા અને સર્વિસને આધાર સાથે જોડી છે, જેના કારણે ગરીબ લોકો આધારનો ડેટા ન મળતા સુવિધાનો લાભ મેળવવીથી વંચિત રહે છે. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે આધાર બિલને મની બિલ તરીકે રજુ કરીને ઉતાવળમાં પાસ કરાવી લીધુ છે.
આધારને મની બિલ કહેવાય નહીં. જો આ પ્રકારે કોઈ પણ બિલ મની બિલ ગણાશે તો પછી સરકારને જ્યારે પણ કોઈ પણ બિલમાં અસુવિધાજનક લાગશે તો તે બિલને મની બિલ તરીકે પાસ કરાવી લેશે. પી. ચિદમ્બરમે કહ્યું હતું કે મની બિલની આડમાં આ કાયદાને પાસ થવામાં રાજ્યસભામાં બિલના સંશોધનમાં સૂચનના અધિકાર અને રાષ્ટ્રપતિ દ્વારા બિલ વિચાર માટે ફરીથી મોકલવા અધિકારની અવગણના થઈ છે. બીજી બાજુ કેન્દ્ર સરકાર, યુએઆઈડી, ગુજરાત અને મહારાષ્ટ્ર સરકાર સહિત અનેક સંસ્થાઓએ સુપ્રીમ કોર્ટમાં આધાર કાયદાને યોગ્ય ગણાવતા અરજીઓને ફગાવવાની અપીલ કરી હતી. સરકાર તરફથી એટોર્ની જનરલ કે કે વેણુગોપાલે દલીલ કરી હતી.