SCના નિર્ણય બાદ સિસોદિયા બોલ્યા- ઓફિસરોનું ટ્રાન્સફર-પોસ્ટિંગ હવે અમારા હાથમાં
ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કેબિનેટની બેઠક બાદ આયોજીત પીસીમાં કહ્યું કે, દેશની સર્વોચ્ચ કોર્ટે જે નિર્ણય આપ્યો છે, તેને લઈને કેબિનેટની બેઠક થઈ. બેઠકમાં કાયદા પ્રધાન કૈલાશ ગહલોતે નિર્ણયને કેબિનેટ સમક્ષ રાખ્યો.
નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ દિલ્હીની આપ સરકાર તેને પોતાના પક્ષમાં ગણાવી રહી છે. ઉપમુખ્યપ્રધાન સિસોદિયાનું કહેવું છે કે મોદી સરકારે અમારા અધિકારોને ઓછા કર્યા અને રાજ્ય સરકાર કોર્ટના નિર્ણય અનુરૂપ કામ કરશે. આ સાથે તેમણે કેન્દ્ર અને એલજીને દિલ્હીની જનતાની માફી માંગવાની વાત પણ કરી.
ઘર-ઘર ડિલેવરીનું કામ શરૂ થશે
ઉપ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ કેબિનેટની બેઠક બાદ આયોજીત પીસીમાં કહ્યું કે, દેશની સર્વોચ્ચ કોર્ટે જે નિર્ણય આપ્યો છે, તેને લઈને કેબિનેટની બેઠક થઈ. બેઠકમાં કાયદા પ્રધાન કૈલાશ ગહલોતે નિર્ણયને કેબિનેટ સમક્ષ રાખ્યો. કેબિનેટમાં મહત્વના બિંદુઓ પર ચર્ચા કરવામાં આવી, ત્યારબાદ સરકાર તરફથી સૂચના આવામાં આવી કે આ નિર્ણયને અનુરૂપ કામ કરવામાં આવે. તેમણે આગળ કહ્યું કે, કેબિનેટે મુખ્ય સચિવને સૂચના આપી કે રાશનની ઘરે-ઘરે ડિલેવરી અને સીસીટીવીનું કામ શરૂ કરવામાં આવે.
સીએમ પાસે લેવાની રહેશે મંજૂરી
સિસોદિયાએ કહ્યું, 2 વર્ષ પહેલા હાઈકોર્ટના આદેશ બાદ દિલ્હી સરકાર પાસેથી ટ્રાન્સફર-પોસ્ટિંગની શક્તિ છીનવીને ઉપરાજ્યપાલ અને મુખ્ય સચિવને આપી દેવામાં આવી હતી. સર્વિસ વિભાગના મંત્રી તરીકે મેં આદેશ જારી કર્યો છે કે આ વ્યવસ્થાને બદલીને આઈએએસ અને ડેનિક્સ સબિત તમામ અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગ માટે હવે મુખ્યપ્રધાન પાસેથી મંજૂરી લેવી પડશે. ઉપમુખ્યપ્રધાને કહ્યું કે, સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ સરકારે સૌથી મોટો નિર્ણય લેતા નાનાથી લઈને મોટા અધિકારીઓના ટ્રાન્સફર-પોસ્ટિંગની તમામ વ્યવસ્થા બદલી નાથી. તત્કાલ પ્રભાવની આ વ્યવસ્થા લાગૂ કરવાના આદેશ સર્વિસ વિભાગને જારી કરી દેવામાં આવ્યા છે.
એલજી રોકતા હતા ફાઇલો
તેમણે કહ્યું કે, 2 વર્ષ પહેલા હાઈકોર્ટના ઓર્ડરમાં એલજીને પાવરફુલ બનાવવામાં આવ્યા હતા. ત્યારે દરેક ફાઇલ એલજી સાહેબ રોકી લેતા હતા જ્યારે બંધારણ પ્રમાણે તેમની પાસે શક્તિ ન હતી. પરંતુ સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ હવે એલજી સાહેબનો આદેશ લેવાની જરૂર નથી.
સિસોદિયાએ કહ્યું કે, સુપ્રીમ કોર્ટે ત્રણ વિષયોને છોડીને તમામ વિષયો પર અધિકારી દિલ્હીની ચૂંટાયેલી સરકારને આપ્યો છે. ટ્રાન્સફર-પોસ્ટિંગ સર્વિસનો મામલો એ ત્રણ વિષયોમાં આવતો નથી તેથી આ શક્તિ ફરી દિલ્હી સરકારને મળી ગઈ છે. સર્વિસ વિભાગ હવે ચૂંટાયેલી સરકારની પાસે રહેશે.
મોદી સરકારે અમારા અધિકારો છીનવ્યા
તેમણે કોર્ટના નિર્ણય પર સ્થિતિ સાફ કરતા કહ્યું કે, જમીન, પોલીસ અને પબ્લિક ઓર્ડરને છોડીને તમામ મામલા પર કાયદો બનાવવાનો અધિકારી દિલ્હી સરકાર અને દિલ્હી વિધાનસભાની પાસે રહેશે. મોદી સરકાર અને ઉપરાજ્યપાલે હાલના કાયદાની ખોટી વ્યાખ્યા કરીને અમારા અધિકારોને છીનવ્યા.
નિર્ણય બાદ ભવિષ્યમાં ઉપરાજ્યપાલ સાથે વિવાદ ન થાય, તે માટે સિસોદિયાએ કહ્યું કે, ત્રણ મામલાને છોડીને ઉપરાજ્યપાલ કોઈ મામલામાં હસ્તક્ષેપ ન કરી શકે. આ ત્રણેય મામલા પર કાયદો કેન્દ્ર સરકાર બનાવી શકે છે અને બાકીના તમામ મામલા પર કાયદો દિલ્હી સરકાર બનાવશે.