Article 370: ઐતિહાસિક નિર્ણય! SC એ કહ્યું- કલમ 370 કામચલાઉ વ્યવસ્થા હતી, હટાવવાનો નિર્ણય યોગ્ય હતો
સુપ્રીમ કોર્ટમાં આજે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને પડકારનારી અરજીઓ પર ચુકાદો આવ્યો. CJI ડી વાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી 5 જજોની બંધારણીય પીઠે 3-2ની બહુમતીથી આ ચુકાદો આપ્યો.
Abrogation of Article 370: સુપ્રીમ કોર્ટમાં આજે જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવવાના મોદી સરકારના નિર્ણયને પડકારનારી અરજીઓ પર ચુકાદો આવ્યો. CJI ડી વાય ચંદ્રચૂડના નેતૃત્વવાળી 5 જજોની બંધારણીય પીઠે 3-2ની બહુમતીથી આ ચુકાદો આપ્યો. સીજેઆઈ ડીવાય ચંદ્રચૂડે કહ્યું કે જમ્મુ અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સંપ્રભુતા નથી. સીજેઆઈએ કહ્યું કે જમ્મુ કાશ્મીરના બંધારણમાં સંપ્રભુતાનો કોઈ ઉલ્લેખ નહતો. જો કે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ મળે છે. ભારતીય બંધારણ આવતા કલમ 370 જમ્મુ કાશ્મીરમાં લાગૂ થઈ. ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે શું શું ટિપ્પણીઓ કરી તે ખાસ જાણો.
કલમ 370 ને હટાવવાનો રાષ્ટ્રપતિને હક
સીજેઆઈએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરની બંધારણીય સભા ખતમ થયા બાદ આર્ટિકલ 370ને નિષ્પ્રભાવી કરવાનો રાષ્ટ્રપતિને બંધારણીય હક બને છે. રાષ્ટ્રપતિ પાસે અધિકાર હતો કે તેઓ પોતાના વિવેકથી આર્ટિકલ 370ને ખતમ કરી શકે છે. ભલે ત્યારે બંધારણીય સભા અસ્તિત્વમાં ન હોય.
કલમ 370 અસ્થાયી જોગવાઈ
સીજેઆઈએ ચુકાદો વાંચતા કહ્યું કે જમ્મુ અને કાશ્મીરમાં લાગૂ કરાયેલી કલમ 370 કામચલાઉ વ્યવસ્થા હતી. વિલય સાથે જ જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન હિસ્સો બની ગયો હતું. સીજેઆઈએ કહ્યું કે રાષ્ટ્રપતિ શાસન દરમિયાન કેન્દ્ર સરકારના અધિકારનો ઉપયોગ થઈ શકે છે. જમ્મુ અને કાશ્મીરે ભારતમાં વિલય સાથે જ પોતાની સંપ્રભુતા ભારતને સરન્ડર કરી હતી. આર્ટિકલ એકથી સ્પષ્ટ છે કે જમ્મુ અને કાશ્મીર તે દિવસથી ભારતનો અભિન્ન હિસ્સો છે.
જલદી ચૂંટણી યોજાય, લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ રહેશે
ચુકાદામાં જણાવવામાં આવ્યું છે કે જમ્મુ અને કાશ્મીરમાં જલદી ચૂંટણી થાય તે માટે પગલાં ભરવામાં આવે. 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી યોજાય. જમ્મુ અને કાશ્મીરને જલદી રાજ્યનો દરજ્જો મળે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે લદાખ કેન્દ્રશાસિત પ્રદેશ તરીકે યથાવત રહેશે. કોર્ટે ચૂંટણી પંચને કહ્યું કે તેઓ જમ્મુ અને કાશ્મીરમાં ચૂંટણીની તૈયારી કરે. જેથી કરીને રાજ્યનો દરજ્જો મળે.
જસ્ટિસ કૌલનો ચુકાદો
બીજી બાજુ પીઠના અન્ય જજ જસ્ટિસ સંજય કિશન કૌલે પોતાનો ચુકાદો સંભળાવતા પ્રેમનાથ કૌલના મામલાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ તેના પર થોડું અલગ વલણ ધરાવે છે. તેમણે પોતાના ચુકાદામાં જો કે સ્વીકાર્યું અને કહ્યું કે કલમ 370 એક અસ્થાયી વ્યવસ્થા હતી. જમ્મુ કાશ્મીરમાં ફક્ત અને ફક્ત ભારતનું બંધારણ જ લાગૂ થશે કોઈ અન્ય બંધારણ નહીં. તેમણે કહ્યું કે કલમ 356માં રાષ્ટ્રપતિને રાજ્યમાં બદલાવ લાવવાનો અધિકાર છે. આ અધિકાર હેઠળ રાષ્ટ્રપતિ કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી શકે છે. જસ્ટિસ કૌલે કહ્યું કે કેન્દ્ર સરકારે પોતે કહ્યું કે જમ્મુ અને કાશ્મીરને જલદી રાજ્યનો દરજ્જો મળશે. તેમણે કહ્યું કે સંસદ દ્વારા જમ્મુ કાશ્મીર વિધાનસભાને સસ્પેન્ડ રાખવામાં આવી છે.
મહત્વની ટિપ્પણીઓ....
- સીજેઆઈએ કહ્યું કે જમ્મુ અને કાશ્મીરના બંધારણમાં સંપ્રભુતાનો કોઈ ઉલ્લેખ નહતો. જો કે ભારતના બંધારણની પ્રસ્તાવનામાં તેનો ઉલ્લેખ મળે છે. ભારતીય બંધારણ અમલમાં આવતા કલમ 370 જમ્મુ કાશ્મીરમાં લાગૂ થઈ.
- સીજેઆઈએ કહ્યું કે કલમ 370ને હટાવવાની અધિસૂચના આપવાની રાષ્ટ્રપતિની શક્તિ જમ્મુ અને કાશ્મીરની બંધારણીય સભાના ભંગ થયા બાદ પણ રહે છે. કલમ 370ની જોગવાઈઓને હટાવવાનો અધિકાર જમ્મુ કાસ્મીરના એકીકરણ માટે છે. રાષ્ટ્રપતિ દ્વારા 370 કલમ હટાવવાનો આદેશ બંધારણીય રીતે માન્ય છે.
- સીજેઆઈએ કહ્યું કે કલમ 370ને હટાવવાની જાહેરાત કાયદેસર હતી કે ગેરકાયદેસર એ હવે પ્રાસંગિક નથી. તેમણે ડિસેમ્બેર 2018માં જમ્મુ કાશ્મીરમાં લગાવવામાં આવેલા રાષ્ટ્રપતિ શાસનની માન્યતા પર ચુકાદો આપવાની ના પાડી. કારણ કે તેને અરજીકર્તાઓએ ખાસ રીતે પડકારી નહતી.
- ચુકાદો સંભળાવતા સીજેઆઈએ કહ્યું કે જ્યારે રાષ્ટ્રપતિ શાસન લાગૂ થાય છે ત્યારે રાજ્યોમાં સંઘની શક્તિઓ પર મર્યાદાઓ હોય છે. તેની વિગતો હેઠળ રાજ્ય તરફથી કેન્દ્ર દ્વારા લેવામાં આવ્યો. દરેક નિર્ણય કાનૂની પડકારને આધીન હોઈ શકે નહીં. તેનાથી અરાજકતા ફેલાઈ શકે છે.
બંધારણીય પીઠમાં આ 5 જજ સામેલ
સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 11 ડિસેમ્બરની સૂચિ મુજબ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પેનલ આ અંગે ચુકાદો આપશે. CJI ઉપરાંત આ પેનલમાં ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત છે. સુપ્રીમ કોર્ટે 16 દિવસની સુનાવણી બાદ પાંચ સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો.
સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કલમ 370ને હટાવવાનો બચાવ કરનારા અને કેન્દ્ર તરફથી રજૂ થયેલા અટોર્ની જનરલ આર વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલો હરીશ સાલવે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને અન્યની દલીલો સાંભળી હતી. જ્યારે અરજીકર્તાઓ તરફથી કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવે અને અન્ય વરિષ્ઠ વકીલોએ દલીલો રજૂ કરી હતી.
કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની જોગવાઈઓને પાંચ ઓગસ્ટ 2019ના રોજ હટાવી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદાખમાં વિભાજીત કર્યા હતા.