નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે આજે વ્યભિચાર એટલે કે એડલ્ટરી (કલમ 497) પર દંડાત્મક કાર્યવાહીની બંધારણીય માન્યતાને પડકારનારી અરજીઓ પર ચુકાદો આપ્યો. કોર્ટે એડલ્ટરીને અપરાધ ગણવાનો ઈન્કાર કરી દીધો. મુખ્ય ન્યાયાધીશ દીપક મિશ્રાની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પેનલે આઈપીસીની કલમ 497ની બંધારણીય માન્યતાને પડકારનારી અરજી પર ચુકાદો સંભળાવ્યો. આઈપીસીની કલમ 497ને અપરાધના દાયરામાંથી બહાર કરવાનો આદેશ આપ્યો છે. ચીફ જસ્ટિસ અને જસ્ટિસ ખાનવિલકરે પોતાના ચુકાદામાં કહ્યું કે એડલ્ટરી તલાકનો આધાર હોઈ શકે છે પરંતુ તે અપરાધ નહીં ગણાય. પેનલના મોટાભાગના જજોએ એડલ્ટરીને અપરાધ શ્રેણીમાં ન રાખવાનો મત રજુ કર્યો છે. બંધારણીય પેનલે કહ્યું કે ચીન, જાપાન અને બ્રાઝીલમાં વ્યભિચાર અપરાધ નથી. વ્યભિચાર અપરાધ નથી પરંતુ તલાકનો આધાર હોઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વ્યભિચાર પર ચુકાદો સંભળાવતા ચીફ જસ્ટિસ દીપક મિશ્રાએ કહ્યું કે બંધારણની સુંદરતા જ એ છે કે તેમાં હું, મારા અને તમે એમ બધા સામેલ છે. સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં એમ પણ કહ્યું કે એડલ્ટરી અપરાધ નથી પરંતુ જો પત્ની પોતાના લાઈફ પાર્ટનરના વ્યભિચારના કારણે આત્મહત્યા કરે તો પુરાવા રજુ થયા  બાદ તેમાં આત્મહત્યા માટે ઉક્સાવવાનો કેસ ચાલી શકે છે. તેમણે કહ્યું કે પતિ એ પત્નીનો માલિક નથી. મહિલાની ગરિમા સૌથી ઉપર છે. મહિલાના સન્માન વિરુદ્ધ આચરણ ખોટું છે. મહિલા અને પુરુષોના અધિકાર સરખા છે. જ્યારે ત્રીજા જજ જસ્ટિસ રોહિંટન ફલી નરીમને પણ આ કાયદાનો ખોટો ગણાવ્યો હતો. આમ બહુમતીથી આ કલમ 497ને રદ કરી નાખવામાં આવી છે. 


જસ્ટિસ ચંદ્રચૂડે પોતાના ચુકાદામાં કહ્યું કે એડલ્ટરી કાયદો મનમાની છે. તેમણે કહ્યું કે તે મહિલાની ગરિમાને ઠેસ પહોંચાડે છે. એડલ્ટરી કાયદો સેક્સ્યુઅલ ચોઈસને રોકે છે અને આથી તે ગેરબંધારણીય છે. તેમણે કહ્યું કે મહિલાને લગ્ન બાદ સેક્સ્યુઅલ ચોઈસથી વંચિત રાખી શકાય નહીં. 


આ અગાઉ સુપ્રીમ કોર્ટે કેન્દ્ર પાસે જવાબ માંગ્યો હતો કે વ્યભિચાર સંબંધી કાયદાથી જનતાની શું ભલાઈ છે, કારણ કે તેમાં જોગવાઈ છે કે જો સ્ત્રીના લગ્નેત્તર સંબંધોથી તેનો પતિ સહમત હોય તો તે અપરાધ હશે નહીં. 


કેન્દ્રએ બંધારણીય પેનલને કહ્યું હતું કે વ્યભિચાર એક અપરાધ છે, કારણ કે તેનાથી વિવાહ અને પરિવાર બરબાદ થાય છે. બંધારણીય પેનલના અન્ય સભ્યોમાં ન્યાયમૂર્તિ આર એફ નરિમન, ન્યાયમૂર્તિ એ એમ ખાનવિલકર, ન્યાયમૂર્તિ ધનંજય વાઈ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ ઈન્દુ મલહોત્રા સામેલ છે. વ્યભિચાર એટલે કે વિવાહીત મહિલાના પર પુરુષ સાથે સંબંધને લઈને ઈન્ડિયન પીનલ કોડ એટલે કે આઈપીસીની કલમ 497ને પડકારનારી આ અરજી પર બંધારણીય પેનલ અગાઉ સુનાવણી પૂરી કરીને ચુકાદો અનામત રાખ્યો હતો. આ કલમ હેઠળ જો કોઈ વિવાહીત મહિલાનો કોઈ પર પુરુષ સાથે સંબંધ હોય અને અપરાધ સિદ્ધ થાય તો ફક્ત પુરુષને જ સજા મળે છે. અરજીમાં કહેવાયુ છે કે મહિલાને છૂટ કેમ મળી રહી છે?


આઈપીસીની કલમ 497 (એડલ્ટરી)ની જોગવાઈ હેઠળ પુરુષોને અપરાધી ગણવામાં આવે છે. જ્યારે મહિલાને વિક્ટીમ ગણાઈ છે. અરજીમાં કહેવાયું છે કે આઈપીસીની કલમ 497 હેઠલ જે કાયદાકીય જોગવાઈ છે તે પુરુષો સાથે ભેદભાવ કરનારી છે. અરજીમાં કહેવાયું છે કે જો કોઈ પરણિત પુરુષ કોઈ પરણિત મહિલા સાથે તેની સહમતિથી સંબંધ બનાવે તો આવા સંબંધ બનાવનારા પુરુષ વિરુદ્ધ તે મહિલાનો પતિ એડલ્ટરીનો કેસ દાખલ કરી શકે છે. પરંતુ સંબંધ બનાવનારી મહિલા વિરુદ્ધ અને કેસ દાખલ કરવા અંગે કોઈ જોગવાઈ નથી જે ભેદભાવવાળું છે. આ જોગવાઈને ગેર બંધારણીય જાહેર કરવામાં આવે.