SC Verdict On Article 370 Scrapping: જમ્મુ અને કાશ્મીરમાં કલમ 370 ફરી લાગૂ થશે કે નહીં તે અંગે આજે સુપ્રીમ કોર્ટ ચુકાદો આપવાની છે. દેશની સર્વોચ્ચ કોર્ટે 2019ના કેન્દ્ર સરકારના નિર્ણય વિરુદધ દાખલ થયેલી અરજીઓ પર સુનાવણી હાથ ધરી અને હવે તેનો ચુકાદો આપશે. કલમ 370 દ્વારા બંધારણમાં જમ્મુ અને કાશ્મીર રાજ્યને વિશેષ રાજ્યનો દરજ્જો લાગૂ હતો. જેને મોદી સરકારે બંધારણમાં સંશોધન કરીને હટાવી દીધો. આજે આવનારા આ મહત્વના ચુકાદા પહેલા જમ્મુ અને કાશ્મીરમાં અધિકારીઓએ ગ્રાઉન્ડ સ્તરે સુરક્ષા વ્યવસ્થા એકદમ કડક કરી નાખી છે અને સોશિયલ મીડિયા પર નિગરાણી રાખવામાં આવી રહી છે. અફવાઓ અને સોશિયલ મીડિયા પર ભડકાઉ પોસ્ટ કરનારા પાંચ યૂઝર્સ વિરુદ્ધ આ મામલે કાર્યવાહી પણ થઈ ચૂકી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર અપલોડ કરાયેલી 11 ડિસેમ્બરની સૂચિ મુજબ ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા ડી વાય ચંદ્રચૂડની અધ્યક્ષતાવાળી પાંચ જજોની બંધારણીય પેનલ આ અંગે  ચુકાદો આપશે. CJI ઉપરાંત આ પેનલમાં ન્યાયમૂર્તિ સંજય કિશન કૌલ, ન્યાયમૂર્તિ સંજીવ ખન્ના, ન્યાયમૂર્તિ બી આર ગવઈ અને ન્યાયમૂર્તિ સૂર્યકાંત છે. સુપ્રીમ કોર્ટે 16 દિવસની સુનાવણી બાદ પાંચ સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો ચુકાદો અનામત રાખ્યો હતો. 


સુપ્રીમ કોર્ટે સુનાવણી દરમિયાન કલમ 370ને હટાવવાનો બચાવ કરનારા અને કેન્દ્ર તરફથી રજૂ થયેલા અટોર્ની જનરલ આર વેંકટરમણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલો હરીશ સાલવે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને અન્યની દલીલો સાંભળી હતી. જ્યારે અરજીકર્તાઓ તરફથી કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવે અને અન્ય વરિષ્ઠ વકીલોએ દલીલો રજૂ કરી હતી. 


કેન્દ્ર સરકારે જમ્મુ કાશ્મીર રાજ્યને વિશેષ દરજ્જો આપતી બંધારણની કલમ 370ની જોગવાઈઓને પાંચ ઓગસ્ટ 2019ના રોજ હટાવી હતી અને રાજ્યને બે કેન્દ્રશાસિત પ્રદેશો જમ્મુ અને કાશ્મીર તથા લદાખમાં વિભાજીત કર્યા હતા.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube