નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવાના આરોપવાળી MDMK નેતા વાઈકોની અરજીને સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. ચીફ જસ્ટિસે કહ્યું કે હવે આ મામલે કશું બચ્યું નથી. આ ઉપરાંત જમ્મુ અને કાશ્મીરમાંથી કલમ 370 હટાવાયા બાદ જમ્મુ અને કાશ્મીરમાં લગાવવામાં આવેલા પ્રતિબંધો વિરુદ્ધની અરજીઓ પર હવે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ મંગળવારે સુનાવણી કરશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યું કે આ અરજીઓને મુખ્ય મામલા સાથે જોડી દેવામાં આવી છે. જેના પર મંગળવારે પહેલી ઓક્ટોબરે સુનાવણી થવાની છે. હકીકતમાં કલમ 370 હટાવવાના વિરુદ્ધમાં દાખલ થયેલી અરજીઓ પર સુપ્રીમ કોર્ટની બંધારણીય બેન્ચ સુનાવણી હાથ ધરવાની છે. 


ગત સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને જમ્મુ કાશ્મીર પ્રશાસનને બે અઠવાડિયામાં કાશ્મીરના હાલાત પર જવાબ દાખલ કરવાનું કહ્યું હતું. કોર્ટે પૂછ્યું હતું કે સોગંદનામુ દાખલ કરીને જણાવે કે રાજ્યમાં હાલાત સામાન્ય ક્યાં સુધી થશે. કોર્ટે સરકારને કહ્યું હતું કે જમ્મુ અને કાશ્મીરમાં સામાન્ય જનજીવન સુનિશ્ચિત કરે. પરંતુ આ દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષાને પણ ધ્યાનમાં રાખવામાં આવે. આ મામલો ઘણો ગંભીર છે. 


આ ઉપરાંત સુપ્રીમ કોર્ટે એમડીએમકે પ્રમુખ વાઈકોની અરજી (હેબીયર્સ કોર્પસ) ઉપર પણ કેન્દ્ર સરકારને નોટિસ પાઠવીને 30 સપ્ટેમ્બર સુધીમાં જવાબ માંગ્યો હતો. વાઈકોએ અરજીમાં કહ્યું હતું કે પૂર્વ મુખ્યમંત્રી ફારુક અબ્દુલ્લાને 15 સપ્ટેમ્બરના રોજ ચેન્નાઈના તામિલનાડુના પૂર્વ મુખ્યમંત્રી સીએન અન્નાદુરાઈની 111મી જયંતીમાં સામેલ થવાનું હતું. પરંતુ 6 ઓગસ્ટ બાદ તેમની સાથે સંપર્ક થઈ શકતો નથી. જમ્મુ અને કાશ્મીરમાં નેતાઓની નજરકેદ વિરુદ્ધ દાખલ થયેલી 8 અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. સુપ્રીમ કોર્ટે કોંગ્રેસના નેતા અને જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદને શ્રીનગર, જમ્મુ, બારામુલ્લા અને અનંતનાગ જવાની મંજૂરી આપી હતી. પરંતુ આ દરમિયાન તેઓ કોઈ ભાષણ આપી શકે નહીં અને ન તો કોઈ રેલી કરી શકે. 


જુઓ LIVE TV



કાશ્મીર ટાઈમ્સના સંપાદકે સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે કાશ્મીરમાં ઈન્ટરનેટ બંધ છે, મીડિયા યોગ્ય રીતે કામ કરી શકતું નથી. જેના પર એટોર્ની જનરલ કેકે વેણુગોપાલે કહ્યું હતું કે કાશ્મીરમાં ન્યૂઝ પેપર 5 ઓગસ્ટથી જ પબ્લિશ થઈ રહ્યાં છે. દૂરદર્શન, લોકલ ટીવી ચેનલ, અને રેડિયો ચાલુ છે. મીડિયાકર્મીઓને ઈન્ટરનેટ અને ટેલિફોન સહિત તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે. રાજ્યમાં લેન્ડલાઈન અને અન્ય સંચાર સાધનો ચાલુ છે. તમામ પ્રતિબંધો હટાવી લેવાયા છે. ચિકિત્સા સુવિધાઓ સારી રીતે ચાલે છે. 5.5 લાખ લોકો ઓપીડીમાં સારવાર કરાવી ચૂક્યા છે. 


આ અગાઉ સુપ્રીમ કોર્ટે જમ્મુ અને કાશ્મીરમાં સગીરોને અટકાયતમાં લેવાના આરોપ પર હાઈકોર્ટની જુવેનાઈલ જસ્ટિસ કમિટી પાસે એક અઠવાડિયામાં રિપોર્ટ માંગ્યો હતો. ગત વખતે આ મામલે સુનાવણીમાં વકીલે કહ્યું હતું કે હાઈકોર્ટમાં અરજી દાખલ કરવી મુશ્કેલ છે. હાઈકોર્ટે રિપોર્ટ મોકલીને આ દાવાને ખોટો ઠેરવ્યો હતો. સુપ્રીમે કહ્યું હતું કે હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ તરફથી અમને રિપોર્ટ મળ્યો છે અને એ વાત ખોટી છે કે J&Kના લોકોને હાઈકોર્ટ જવામાં સમસ્યા છે.