નવી દિલ્હીઃ આમ્રપાલી જૂથના અધુરા પ્રોજેક્ટ અંગે સુપ્રીમ કોર્ટે ફરી એક વખત કડક વલણ અપનાવ્યું છે. જસ્ટિસ અરૂણ મિશ્રા અને જસ્ટિસ યુયુ લલિતની અધ્યક્ષતાવાળી બેન્ચે આમ્રપાલી જૂથના ત્રણ ડિરેક્ટર અનિલ કુમાર શર્મા, શોવ પ્રિયા અને અજયકુમારને પોલીસ કસ્ટડીમાં મોકલવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કોર્ટે આમ્રપાલી જૂથને કોર્ટના અપમાનની નોટિસ પણ મોકલી છે. કોર્ટે પોલિસને જણાવ્યું કે, આ ત્રણેય ડિરેક્ટરોને તે કોર્ટમાંથી જ પોતાની સાથે લઈ જાય અને ત્યાં સુધી કસ્ટડીમાં રાખે જ્યાં સુધી દસ્તાવેજ સીલ થઈ જતા નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કોર્ટે જણાવ્યું કે, આ ત્રણ ડિરેક્ટર આમ્રપાલી જૂથ સાથે સંકલાયેલા એકાઉન્ટ્સ અને તમામ દસ્તાવેજો સોંપશે નહીં ત્યાં સુધી તે પોલિસ કસ્ટડીમાં રહેશે. કોર્ટે જણાવ્યું કે, અમે આશા રાખીએ છીએ કે, ડિરેક્ટર સહયોગ આપશે. સુપ્રીમે જણાવ્યું કે, આમ્રપાલી જૂથ કોર્ટની આંખમાં ધૂળ નાખવાનો પ્રયાસ કરી રહ્યું છે. 


વાત એમ છે કે, સુપ્રીમ કોર્ટે આમ્રપાલી જૂથની 46 કંપનીઓના ઓડિટને ફોરેન્સિક ઓડિટ કરાવા માટે આદેશ આપ્યા હતા, આ ઉપરાંત આમ્રપાલી સાથે જોડાયેલા તમામ દસ્તાવેજ સોંપવા જણાવ્યું હતું. જોકે, કોર્ટના આદેશ બાદ પણ દસ્વાવેજ સોંપવામાં ન આવતાં નારાજ સુપ્રીમ આમ્રપાલીને ઠપકો આપતાં આ આદેશ આપ્યો છે. 


આ અગાઉ સુપ્રીમે આમ્રપાલી પર નારાજ થતા જણાવ્યું હતું કે, 2015 બાદ અત્યાર સુધી આમ્રપાલીની 46 કંપનીઓનાં તમામ ખાતાઓની ડિટેઈલ કોર્ટને શા માટે સોંપવામાં આવી નથી. 10 દિવસમાં તમામ એકાઉન્ટની બેલેન્સ શીટ સોંપવાનો આદેશ અપાયો હતો. કોર્ટે ફોરેન્સિક ઓડિટરને નિર્દેશ આપ્યો હતો કે, તે 60 દિવસના અંતર રિપોર્ટ સોંપે કે કેટલી રકમનો ગોટાળો થયો છે. 


હકીકતમાં, છેલ્લી સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે પોતાના આદેશમાં જણાવ્યું હતું કે, ગ્રુપની 16 સંપત્તીની હરાજી થશે, જ્યારે 46 કંપનીઓ અને તેનાં તમામ નિદેશકોની સંપત્તીની પણ ફોરેન્સિક ઓડિટ થશે. 



આ સાથે જ કોર્ટે આમ્રપાલીના સીએમડી અનિલ શર્માને ચાર દિવસમાં પોતાની તમામ સંપત્તીઓની વિગતો સોગંદનામા દ્વારા આપવા આદેશ આપ્યો હતો. કોર્ટે અનિલ શર્માને એમ પણ પુછ્યું હતું કે, 2014ની ચૂંટણીમાં ચૂંટણી પંચમાં દાખલ કરવામાં આવેલા સોગંદનામામાં 867 કરોડની બતાવેલી સંપત્તી 2018માં 67 કરોડની કેવી રીતે થઈ ગઈ? કોર્ટ સમક્ષ કઈ માહિતી છુપાવામાં આવી છે? 


આ અગાઉ સુપ્રીમ કોર્ટે આમ્રપાલીને રૂ.25 લાખની રકમથી એકાઉન્ટ ખોલવા આદેશ આપ્યો હતો. ત્યાર બાદ સુપ્રીમ એ નક્કી કરશે કે આ રકમનો અધુરા પ્રોજેક્ટના નિર્માણમાં ઉપયોગ કેવી રીતે કરવો.


ઉલ્લેખનીય છે કે, સુપ્રીમ કોર્ટે આ બાબતે એનબીસીસીને આમ્રપાલીના તમામ અટકી ગયેલા અધુરા હાઉસિંગ પ્રોજેક્ટને પુરા કરવાની જવાબદારી સોંપી હતી. તેના માટે સુપ્રીમે એનબીસીસી પાસે 30 દિવસમાં વિસ્તૃત યોજના માગી હતી. સાથે જ એનબીસીસીને નિર્માણ કાર્ય પુરા કરવા માટે ચોક્કસ ટાઈમલાઈન આપવા પણ જણાવ્યું હતું. 


કોર્ટમાં એનબીસીસીના ચેરમેન, આમ્રપાલીના ચેરમેન અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવ પણ હાજર થયા હતા.