નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણની માગ કરતી અરજી પર સર્વોચ્ચ અદાલચ બુધવારે પોતાનો ચૂકાદો સંભળાવશે. મુખ્ય ન્યાયાધિશ દીપક મિશ્રા, જસ્ટિસ એ.એમ. ખાનવિલ્કર અને ડી.વાય ચંદ્રચૂડની બેન્ચ આ અંગે ચૂકાદો આપશે. આ અગાઉ કેન્દ્ર સરકાર તરફથી એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણ અંગેના દિશા-નિર્દેશો બાબતે પોતાના સુચન કોર્ટમાં રજૂ કર્યા હતા. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એટોર્ની જનરલ કે.કે. વેણુગોપાલે કોર્ટને જણાવ્યું હતું કે, જીવંત પ્રસારણનો પાઈલટ પ્રોજેક્ટ સૌથી પહેલા દેશના મુખ્ય ન્યાયાધિશની અદાલતમાં શરૂ કરી શકાય છે. આ બંધારણિય મહત્ત્વ સાથે સંકાળાયેલા કેસમાં કરી શકાય છે. કોર્ટે સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, અત્યારે તેને માત્ર પ્રાયોગિક ધોરણે જ લાગુ કરવા અંગે વિચાર કરાશે. તેની સફળતા બાદ જ નક્કી થશે કે કોર્ટની કાર્યવાહીના જીવંત પ્રસારણને સુપ્રીમ કોર્ટની અન્ય અદાલતો કે દેશભરની અદાલતોમાં લાગુ કરી શકાય કે નહીં. 


વેણુગોપાલે એવું પણ જણાવ્યું હતું કે, જીવંત પ્રસારણ 70 મિનિટ મોડું પણ કરી શકાય છે. જોથી જજને રાષ્ટ્રીય સુરક્ષા કે વ્યક્તિગત ગુપ્તતાના કેસમાં વકીલ દ્વારા કરવામાં આવેલા ખોટા આચરણ પર કે પછી કોઈ સંવેદનશીલ બાબતમાં પ્રસારણ દરમિયાન અવાજને બંધ (મ્યૂટ) કરવાની તક મળી શકે. જીવંત પ્રસારણ માત્ર કોર્ટ નંબર-1 (સીજેઆઈની કોર્ટ)માં જ લાગુ કરાશે અને માત્ર બંધારણિય બેન્ચની ટિપ્પણીના સંદર્ભમાં જ કરી શકાશે. 


વેણુગોપાલે વધુમાં જણાવ્યું હતું કે, પ્રતિવાદી, પત્રકાર, તાલીમાર્થી, મહેમાન અને વકીલ આ જીવંત પ્રસારણ જોઈ શકશે. કોર્ટ પરિસરમાં તેના માટે એક અલગ મીડિયા રૂમ બનાવાશે. જેથી અદાલતોમાં ભીડ પણ ઓછી થશે. આ જોગવાઈથી દિવ્યાંગોને પણ ફાયદો થશે.


જોકે, સુનાવણી દરમિયાન એક બિનસરકારી સંગઠન 'સેન્ટર ફોર એકાઉન્ટેબિલિટી એન્ડ સિસ્ટમેટિક ચેન્જ'ના વકીલ વિરાગ ગુપ્તાએ સુચન કર્યું હતું કે, એક ટીવી ચેનલ બનાવવા કે જીવંત પ્રસારણ કરવાને બદલે સુનાવણીનું વીડિયો રેકોર્ડિંગ કરવું જોઈએ. સાથે જ આ વીડિયો રેકોર્ડિંગને સુપ્રીમ કોર્ટની આધિકારીક વેબસાઈટ પર મુકવી જોઈએ. નહિંતર વકીલોની ટિપ્પણી કે સુનાવઈની ક્લિપિંગને આધારે ફેક ન્યૂઝ બનવાનું જોખમ વધી શકે છે. ખાસ કરીને આવું અયોધ્યા કે આધાર કાર્ડ જેવા સંવેદનશીલ કેસોની સુનાવણી દરમિયાન થઈ શકે છે.