ગુજરાતમાં ડાયમંડ વર્કર્સ યુનિયન ગુજરાત (ડીડબલ્યુયુજી) દ્વારા 15 જુલાઈના રોજ શરૂ કરાયેલી આત્મહત્યા હેલ્પલાઈન નંબર પર આ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો તરફથી 1600થી વધુ સંકટપૂર્ણ કોલ આવ્યા છે. આ પહેલા સાથે જોડાયેલા એક પદાધિકારીએ સોમવારે આ ચોંકાવનારી માહિતી આપી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મીડિયા રિપોર્ટ્સનો હવાલો આપતા ડીડબલ્યુયુજીના ઉપાધ્યક્ષ ભાવેશ ટાંકે જણાવ્યું કે છેલ્લા 18 મહિનામાં સુરતમાં 65 હીરા શ્રમિકાઓએ આત્મહત્યા કરી છે. તેમાંથી મોટાભાગના લોકોએ પગાર કાપ અને નોકરી છૂટી જવાના કારણે ઊભી થયેલી પરેશાનીઓના કારણે આ અંતિમ પગલું ભર્યું, જે ઉદ્યોગમાં મંદીનું પરિણામ છે. સુરત આ વિસ્તારના પ્રમુખ કેન્દ્રોમાંથી એક છે જ્યાં દુનિયાના લગભગ 90 ટકા કાચા હીરાના પોલીશિંગનું કામ થાય છે. આ કામ 2500થી વધુ યુનિટ્સમાં કાર્યરત 10 લાખ શ્રમિકો દ્વારા કરાય છે. તેમણે કહ્યું કે અમે 15 જુલાઈના રોજ આ હેલ્પલાઈન નંબર શરૂ કર્યો હતો. અત્યાર સુધીમાં અમને 1600થી વધુ કોલ મળી ચૂક્યા છે. જેમાંથી અનેકે કહ્યું છે કે તેઓ પૈસાની તંગીના કારણે પોતાનો જીવ આપવાને કગાર પર છે. કોલ કરનારા મોટા ભાગના લોકો છેલ્લા કેટલાક મહિનામાં બેરોજગાર થયા છે. તેઓ રોજગારની શોધમાં પણ પરેશાન છે. 


ટાંકે વધુમાં કહ્યું કે જે લોકોના પગારમાં 30 ટકા સુધીનો કાપ થયો છે તેઓ પોતાના બાળકોની શાળાની ફી, ઘરનું ભાડું, ઘર અને વાહનની લોનના માસિક હપ્તા વગેરે ચૂકવવામાં મદદ માંગે છે. યુક્રેન-રશિયા અને ઈઝરાયેલ-ગાઝા સંઘર્ષોની સાથે સાથે પ્રમુખ બજાર ચીનમાં નબળી માંગના કારણે આપૂર્તિ વધુ છે, જેના કારણે આ વર્ષે 50,000 કર્મચારીઓએ પોતાની નોકરી ગુમાવી પડી છે. 


રવિવારે એક કાર્યક્રમમાં સુરતમાં હીરા નિર્માણ કંપની ધર્મનંદન ડાયમંડ્સના ચેર પર્સન લાલજી પટેલે દરેક વિદ્યાર્થીને 15000 રૂપિયાની નાણાકીય મદદ આપવાની જાહેરાત કરી અને આ ક્ષેત્રના જરૂરિયાતવાળા પરિવારોને ચેક આપ્યા. ધર્મનંદન ડાયમંડ્સે એક નિવેદનમાં કહ્યું કે નાના હીરા યુનિટ્સના બંધ થવાથી કેટલાક લોકોની નોકરી ગઈ છે અને તેઓ ઘર ચલાવવામાં અને એટલે સુધી કે બાળકોની શાળા કોલેજોની ફી ભરવામાં પણ અસમર્થ છે. 


નાણાકીય સંકટ ઝેલવામાં અસમર્થ હીરા કારીગરો દ્વારા આત્મહત્યાની વધતી ઘટનાઓ વચ્ચે સુરત ડાયમંડ વર્કર્સ યુનિયને હાલમાં જ એક હેલ્પલાઈન નંબર શરૂ કર્યો છે. જ્યાં અનેક કારીગરોએ પોતાના બાળકોની શાળા અને કોલેજોની ફી ભરવામાં સહાયતા માટે અપીલ કરી છે. નિવેદનમાં કહેવાયું છે કે નાણાકીય મદદ માંગનારા પરિવારોની નાણાકીય સ્થિતિનું સર્વેક્ષણ કર્યા બાદ, તેમને શાળાની ફી માટે ચેક આપવામાં આવ્યા. રવિવારે એક ચેક વિતરણ કાર્યક્રમ આયોજિત કરાયો. જેમાં શાળા અને કોલેજમાં ભણતા 40 વિદ્યાર્થીઓને શાળાની ફી માટે 15000 રૂપિયાના ચેક આપવામાં આવ્યા. 


પટેલે કહ્યું કે તેમની ફર્મ આ પગલું એટલા માટે ભરી રહી છે કારણ કે હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ છે અને તેઓ એ સુનિશ્ચિત કરવા માંગે છે કે બાળકોનું શિક્ષણ પ્રભાવિત ન થાય.