સ્વામીએ ઇમરાનને ગણાવ્યો મોહમ્મદ ઘોરી, શપથગ્રહણમાં જનાર ગદ્દાર
પોતાનાં વિવાદાસ્પદ નિવેદનો મુદ્દે ચર્ચામાં રહેતા ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્ય સ્વામીએ વધારે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે
નવી દિલ્હી : પાકિસ્તાનનાં નવા બનનાર વડાપ્રધાન અને પાકિસ્તાન તહરીક એ ઇંસાફના વડા ઇમરાન ખાનનાં 11 ઓગષ્ટે યોજાનારા શપથ ગ્રહણ સમારોહમાં બોલિવુડ અભિનેતા આમિર ખાન, પૂર્વ ક્રિકેટર કપિલ દેવ, સુનીલ ગાવસ્કર અને નવજોત સિંહ સિદ્ધુને નિમંત્રણ મોકલવામાં આવ્યું છે. નવજોત સિંહ સિદ્ધુએ ઇમરાનની પાર્ટી પીટીઆઇનાં આમંત્રણનો સ્વિકાર કર્યો છે. જો કે ભાજપના રાજ્યસભા સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ કહ્યું કે, ભારતથી જે ઇમરાનના શપથ ગ્રહણ સમારંભમાં ભાગ લેશે તેને ગદ્દાર માનવામાં આવશે.
સ્વામીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, નવજોત સિંહ સિદ્ધુ માત્ર ક્રિકેટર નથી પરંતુ તે દેશના સાંસદ પણ છે. જો તેઓ આ સમારંભમાં જાય છે તો તેને ગદ્દાર માનવામાં આવશે. સ્વામીએ ઇમરાનની તુલના મોહમ્મદ ઘોરી સાથે કરતા કહ્યું કે, મહારાણા પ્રતાપે મોહમ્મદ ઘોરીને તક આપી હતી. સૌ કોઇ જાણે છે કે શું થયું.
સ્વામીનું કહેવું છે કે ઇમરાનના શપથગ્રહણમાં જનારા ભારત પરત ફર્યા બાદ તેના પર નજર રાખવામાં આવે અને તેના પર રાષ્ટ્રદ્રોહનો કેસ દાખલ કરવામાં આવે. નોંધનીય છે કે, પંજાબ સરકારના કેબિનેટ મંત્રી અને ક્રિકેટર નવજોત સિંહે ઇમરાન ખાનના આમંત્રણનો સ્વિકાર કરતા કહ્યું કે, આ સન્માની વાત છે. મે નિમંત્રણનો સ્વિકાર કર્યો છે. ઇમરાન પર ભરોસો કરવામાં આવવો જોઇએ. ખેલાડીઓ પુલ બનાવે છે, બૈરિયર્સને તોડે છે અને લોકોને જોડે છે. સિદ્ધું એ કહ્યું કે, તેને ઇમરાનમાં આશાનું કિરણ દેખાય છે.
બીજી તરફ બોલિવુડ અભિનેતા આમીર ખાને કોઇ પણ પ્રકારનું આમંત્રણ મળ્યું હોવાનો ઇન્કાર કર્યો હતો. જે અંગે ટીપ્પણી કરતા સ્વામીએ કહ્યું કે, તે આમિરને સલામ કરે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન તહરીક એ ઇન્સાફના વડા પુર્વક્રિકેટર ઇમરાન ખાનના 11 ઓગષ્ટે યોજાનારા શપથ ગ્રહણ સમારોહ મુદ્દે એવો અંદેશો લગાવવામાં આવી રહ્યો હતે કે ઇમરાન ખાન પોતાનાં શપથ ગ્રહણ સમારોહમાં સાર્ક દેશોના પ્રમુખોને બોલાવશે. જેમાં વડાપ્રધાન મોદીને પણ આમંત્રણ આપવામાં આવશે. જો કે આ સમાચારોનું પાકિસ્તાન વિદેશ મંત્રાલય ખંડન કરી રહ્યું છે.