મોદી રાજમાં વિશ્વસ્તરે હિન્દીનું વધ્યું ગૌરવ, UNએ શરૂ કર્યુ હિન્દી બ્લોગિંગ
સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ભારતના રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને ગુરુવારે હિન્દી ભાષામાં લખાયેલા સંયુક્ત રાષ્ટ્રના બ્લોગને ટ્વિટર પર શેર કર્યો છે.
નવી દિલ્હી: સંયુક્ત રાષ્ટ્ર (યુએન)માં ભારતના રાજદૂત અને સ્થાયી પ્રતિનિધિ સૈયદ અકબરૂદ્દીને ગુરુવારે હિન્દી ભાષામાં લખાયેલા સંયુક્ત રાષ્ટ્રના બ્લોગને ટ્વિટર પર શેર કર્યો છે. અકબરૂદ્દીને ટ્વિટર પર શેર કરીને લખ્યું કે હવે તેઓ (સંયુક્ત રાષ્ટર) હિન્દીમાં બ્લોગિંગ કરી રહ્યાં છે. કહેવાય છે કે સમગ્ર દુનિયામાં હિન્દી ભાષા, તેને બોલનારાઓની સંખ્યાના આધારે સંયુક્ત રાષ્ટ્રની અધિકૃત ભાષા બનવાનો અધિકાર ધરાવે છે. આમ છતાં હિન્દીને હજુ સુધી સંયુક્ત રાષ્ટ્રમાં સામેલ કરાઈ નથી.
સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીએ આપ્યું હતું યુએનમાં પહેલું હિન્દી ભાષણ
પહેલીવાર સંયુક્ત રાષ્ટ્ર સંઘના આંતરરાષ્ટ્રીય મંચ પર વર્ષ 1977ની જનતા સરકારમાં વિદેશ મંત્રી તરીકે કામ કરતા સ્વર્ગીય અટલ બિહારી વાજપેયીએ પોતાનું ભાષણ હિન્દીમાં આપીને દેશનું ગૌરવ વધાર્યુ હતું. હિન્દીનો દુનિયાભરમાં પ્રચાર અને પ્રસાર કરવા માટે આ નાનકડો પ્રયત્ન અટલજીએ શરૂ કર્યો હતો.
આંતરરાષ્ટ્રીય મંચ પરથી અપાયેલા અટલજીના પહેલા હિન્દી ભાષણની દુનિયાભરમાં પ્રશંસા થઈ હતી. ત્યારબાદથી હિન્દીને સંયુક્ત રાષ્ટ્રમાં અધિકૃત ભાષા બનાવવાના પ્રયત્નો થઈ રહ્યાં છે. અટલજીએ પોતાના ભાષણમાં વસુધૈવ કુટુંબકમનો સંદેશો આપતા માનવ અધિકારો સાથે રંગભેદ જેવા ગંભીર મુદ્દાનો પણ ઉલ્લેખ કર્યો હતો.
યુએનમાં હિંદને અધિકૃત ભાષા બનાવવા માટે આ છે મુશ્કેલીઓ
'સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દી એક અધિકૃત ભાષા કેમ નથી'ના સવાલ પર વિદેશ મંત્રી સુષમા સ્વરાજે આ જ વર્ષે લોકસભામાં કહ્યું હતું કે તેની પાછળનું સૌથી મોટુ કારણ નિયમ છે. તેમણે જણાવ્યું કે યુએનના 193 સભ્ય દેશોમાંથી બે તૃતિયાંશ સભ્યો (129 દેશો)એ હિન્દીને અધિકૃત ભાષા બનાવવાના પક્ષમાં મતદાન કરવું પડશે. આ પ્રક્રિયા માટે ભારતે નાણાકીય ખર્ચ પણ શેર કરવો પડશે. સ્વરાજે કહ્યું હતું કે આપણે ફિજી, મોરેશિયસ જેવા દેશોનું સમર્થન મેળવવા માટે સતત પ્રયત્નો કરી રહ્યાં છીએ. તેમણે કહ્યું હતું કે સંખ્યાબળ ભેગુ કર્યા બાદ આપણે હિન્દીને અધિકૃત ભાષા બનાવવા માટે ચોક્કસપણે યુએનમાં અરજી કરીશું.
વર્ષ 2014માં પીએમ મોદીએ આપ્યું હતું હિન્દીમાં ભાષણ
વર્ષ 2014માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંયુક્ત રાષ્ટ્રમાં હિન્દીમાં ભાષણ આપ્યું હતું. નોંધનીય છે કે હિન્દી ભાષા દુનિયાના 93 દેશોમાં શાળાઓ અને યુનિવર્સિટી સ્તરે ભણાવવામાં આવે છે. વર્ષ 1945માં સંયુક્ત રાષ્ટ્રમાં અંગ્રેજી, રશિયન, ફ્રેન્ચ, અને ચાઈનીઝ ભાષા જ અધિકૃત ભાષા બનાવવામાં આવી હતી. ત્યારબાદ તેમાં અરબી અને સ્પેનિશને પણ સામેલ કરાઈ હતી.