વારાણસી રૂટ પર પણ ચાલશે એન્જિનલેસ ટ્રેન T-18, ડિસેમ્બરના મધ્યમાં પુરી થશે ટ્રાયલ
દેશની સૌથી આધુનિક અને દેશમાં જ નિર્મિત એવી T-18 ટ્રેનની અત્યારે ટ્રાયલ ચાલી રહી છે, તેને વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીથી પણ દોડાવાની વિચારણા ચાલી રહી છે
નવી દિલ્હીઃ દેશની સૌથી આધુનિક ટ્રેન ટી-18 વડા પ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય મતવિસ્તાર વારાણસીમાંથી પણ શરૂ થઈ શકે છે. ભારતની પ્રથમ સેમી સ્પીડ ટ્રેન T-18ને અનેક રૂટ પર દોડાવાની તૈયારીઓ ચાલી રહી છે, જેમાં દિલ્હી-ભોપાલને પ્રથમ પ્રાથમિક્તા આપવામાં આવી રહી છે.
ફાઈનાન્શિયલ એક્સપ્રેસના સમાચાર અનુસાર, રેલવેનાં સૂત્રોએ જણાવ્યું છે કે, દિલ્હી-ભોપાલ રૂટ ઉપરાંત આ અત્યાધુનિક ટ્રેનને લખનઉ-વારાણસી, પટના-વારાણસી રૂટ પર પણ દોડાવાનો વિચાર ચાલી રહ્ોય છે. આ ટ્રેન શતાબ્દી ટ્રેનનું સ્થાન લેશે. જોકે, રેલવે અત્યાર સુધી એક પણ રૂટ ફાઈનલ કર્યો નથી.
પ્રથમ ટેક્નિકલ ટ્રાયલ પૂરી
T-18 ટ્રેનની પ્રથમ ટેક્નીકલ ટ્રાયલ મુરાદાબદથી બરેલી સેક્શન પર સફળતાપૂર્વક પૂરી થઈ છે. બીજી ટ્રાયલ હવે કોટા સ્ટેશન પર કરવામાં આવનાર છે. આ ટ્રાયલ 1 ડિસેમ્બરે શરૂ થશે. ટ્રેનને કોટાથી સવાઈમાધોપુર વચ્ચે 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડાવામાં આવશે.
26 નવેમ્બરના રોજ ટ્રેનનો રેક કોટા પહોંચી ગયો છે. રેલવે તરપથી બહાર પાડવામાં આવેલા ટાઈમટેબલમાં કોટાના નામનો પણ સમાવેશ છે. ટ્રેનની ટ્રાયલ શામગઢ, કોટા, સવાઈમાધોપુર રેલવે ખંડ વચ્ચે કરવામાં આવશે.
110 કિમીની ઝડપે શરૂ થશે ટ્રાયલ
કોટામાં T-18ની સ્પીડ ટ્રાયલની શરૂઆત 110 કિમી પ્રતિ કલાકની ઝડપે કરવામાં આવશે. ત્યાર બાદ તેને ધીમે-ધીમે વધારીને 180 કિમી પ્રતિ કલાક કરવામાં આવશે. દેશમાં ઘણા ઓછા રૂટ એવા છે જ્યાં રેલગાડીને 160 કિમી કે તેના કરતાં વધુ ઝડપે ચલાવી શકાય છે. કોટા મંડળમાં આ પ્રકારનો ટ્રેક બનેલો છે. જોકે, મોદી સરકાર સેમી-હાઈસ્પીડ ટ્રેનો માટે અલગ રૂટના નિર્માણનું પણ વિચારી રહી છે.
ઉલ્લેખનીય છે કે, મેક-ઈન ઈન્ડિયા અંતર્ગત બનેલી આ પ્રથમ ટ્રેન છે. આ ટ્રેનને ચેન્નઈની ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં તૈયાર કરવામાં આવી છે. તેના પાછળ અંદાજે રૂ. 100 કરોડનો ખર્ચ આવ્યો છે. બીજો સેટ ફેબ્રુઆરી સુધી બનીને તૈયાર થઈ જશે. આવા કુલ 6 સેટ તૈયાર કરવાના છે.