તમિલનાડુઃ તમિલનાડુમાં આવેલાં તંજાવુરમાં મંદિરના મહોત્સવની ઉજવણી થઈ રહી હતી. એ દરમિયાન જ અચાનક સ્થિતિ બદલાઈ ગઈ અને જોત જોતામાં ઉજવણીનો માહોલ માતમમાં ફેરવાઈ ગયો. મંદિરના મહોત્સવ દરમિયાન વીજ કરંટથી અફરા તફરી મચી ગઈ. બુધવારે એટલેકે, આજે સવારે તંજાવુરમાં મંદિર ઉત્સવ દરમિયાન આ દુર્ઘટના બની હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 



 


પ્રાપ્ત માહિતી મુજબ, શોભાયાત્રાનો રથ ઈલેક્ટ્રીક વાયરને અટકી જતાં આ દુર્ઘટના થઈ હોવાનું પ્રાથમિક કારણ સામે આવ્યું છે. રથ ઈલેક્ટ્રીક વાયરને અથડાતાં વીજ કરંટથી સ્થળ પર જ 11 લોકોના મોત નિપજ્યાં હતાં. શોભાયાત્રા સમયે રથ ઉપરથી પસાર થતા હાઈ ટેન્શન વાયરના સંપર્કમાં આવ્યો હતો, જે બાદ આખા રથ પર કરંટ ફેલાઈ ગયો હતો અને આગ લાગી હતી. જ્યારે આ દુર્ઘટનામાં થયેલી નાસ-ભાગમાં 15થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. 


રથયાત્રા દરમિયાન ભક્તો રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કોઈક રીતે ઉપરથી પસાર થતો ઈલેક્ટ્રીક વાયર રથ પર પડ્યો હતો અને ચારેય તરફ વીજ કરંટ પ્રસરી ગયો હતો. આ દુર્ઘટનામાં ઘણા લોકો ઘાયલ અને દાઝી ગયા હોવાની માહિતી પણ સામે આવી છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને રાહત અને બચાવ કાર્ય કર્યું હતું.


મંદિર મહોત્સવ દરમિયાન થયેલી આ દુર્ઘટના અંગે આ વિસ્તારના આઈજી વી. બાલકૃષ્ણએ જણાવ્યું હતુંકે, આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 10 લોકોના મોત થયા છે અને 15 લોકો ઘાયલ થયા છે. તેમણે કહ્યું કે શોભાયાત્રા દરમિયાન રથ એકદમ ઈલેક્ટ્રીક વાયરના સંપર્કમાં આવ્યો, ત્યારબાદ આ અકસ્માત થયો હતો. ઉલ્લેખનીય છેકે, આ વર્ષે તમિલનાડુના તંજાવુર મંદિરનો આ 94મો મહોત્સવ ઉજવાઈ રહ્યો હતો. તંજાવુર મંદિરના આ મહોત્સવમાં ભાગ લેવા સ્થાનિકોની સાથો-સાથ દેશના વિવિધ પ્રાંતમાંથી પણ મોટી સંખ્યામાં ભક્તો અહીં ઉમટી પડ્યાં હતાં. આ દરમિયાન રોડ પર પરંપરાગત રીતે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સમયે જ આ વિનાશક દુર્ઘટના ઘટી હતી.