તમિલનાડુ સરકારે હાઈકોર્ટમાં આપ્યો જવાબ- કયારેય ગર્ભવતી ન હતી જયલલિતા
રાજ્ય સરકારે પોતાના આ દાવાને વધુ મજબૂત કરવા માટે કોર્ટમાં 1980માં રેકોર્ડ કરેલો ફિલ્મફેયર એવોર્ડનો વીડિઓ પણ રજૂ કર્યો.
નવી દિલ્હીઃ એક કેસમાં તમિલનાડુ સરકારે મદ્રાસ હાઈકોર્ટમાં દાવો કર્યો કે સ્વર્ગસ્થ મુખ્યપ્રધાન જે. જયલલિતા ક્યારેય ગર્ભવતી ન હતી. રાજ્ય સરકારે પોતાના આ દાવાને વધુ મજબૂત કરવા માટે કોર્ટમાં 1980માં રેકોર્ડ કરેલ ફિલ્મફેયર એવોર્ડનો વીડિઓ પણ રજૂ કર્યો. આ મામલો એક મહિલાના તે દાવા બાદ ગરમાયો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો કે જયલલિતા તેમની માતા છે. ડિસેમ્બર 2016માં તમિલનાડુના મુખ્યપ્રધાન જે જયલલિતાનું લાંબી બિમારી બાદ નિધન થઈ ગયું હતું.
જયલલિતાના મોત બાદ અમૃતિ નામની મહિલા તે સમયે ચર્ચામાં આવી હતી, જ્યારે તેણે દાવો કર્યો હતો કે જયલલિતા તેની માં છે. ત્યારબાદ તેણે દાવો કર્યો કે જયલલિતાને તે પોએસ ગાર્ડન સ્થિત તેમના ઘર પર ઘણીવાર મળી ચુકી છે. ત્યારબાદ આ મામલો મદ્રાસ હાઇકોર્ટમાં પહોંચી ગયો હતો.
અમૃતાએ દાવો કર્યો કે, તેનો જન્મ 14 ઓગસ્ટ 1980ના થયો હતો. આ ક્રમમાં રાજ્ય સરકારે કોર્ટમાં 1980નો વીડિઓ દેખાડતા કહ્યું કે, આ વીડિઓને જોઈને લાગી રહ્યું નથી કે તે ગર્ભવતી હતી. અમૃતાની અરજી પર મદ્રાસ હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન તમિલનાડુ સરકારના વકીલ વિજય નારાયણે કહ્યું, આ વીડિઓ જોઈને કોઈ ન કહી શકે તે પોતાની પ્રેગ્નેન્સીના અંતિમ મહિનામાં છે.
આટલું જ નહીં અમૃતાએ જયલલિતાની પુત્રી હોવાનો દાવો કરતા તેણે ડીએનએની માંગ કરી હતી. બીજીતરફ રાજ્ય સરકારે અમૃતાના તમામ દાવાને નકારી દીધા છે. કોર્ટે આ મામલાની સુનાવણી 31 જુલાઇ સુધી ટાળી દીધી છે.