પટના : આરજેડી નેતા અને લાલુ યાદવના મોટા પુત્ર તેજ પ્રતાપે કાલે શનિવારે પોતાની જ પાર્ટીનાં કેટલાક નેતાઓ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો અને કહ્યું કે, પાર્ટીનાં કેટલાક સીનિયર નેતા યુવા કાર્યકર્તાઓની અવહેલના કરી રહ્યા છે. તેજપ્રતાપે સ્પષ્ટ રીતે આરજેડીનાં પ્રદેશ અધ્યક્ષ રામચંદ્ર પુર્વે પર કાર્યકર્તાઓને નજર અંદાજ કરવાનો આરોપ લગાવ્યો હતો. સાથે જ તેમણે નાના ભાઇ તેજસ્વી યાદવ અંગે કહ્યું હતું કે, તે મારા હૃદયનો ટુકડો છે. તેજસ્વી મારા અર્જુન છે અને હું તેને રાજગાદી પર બેસાડીને પોતે દ્વારીકા જતો રહીશ. સાથે જ તેજ પ્રતાપે કહ્યું હતું કે, પાર્ટીમાં કેટલાક અસામાજિક તત્વો આવી ગયા છે, જે પાર્ટીને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકો તેજસ્વી અને અમારા પરિવારનાં લોકોનું નામ ઉપયોગ કરીને પાર્ટીને બદનામ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

24 કલાક બાદ તેજસ્વી યાદવે આ સમગ્ર મુદ્દે ચુપકીદી તોડી હતી. તેમણે કહ્યું કે, તે તો સંપુર્ણ સ્પષ્ટ છે કે તેજપ્રતાપજીએ પાર્ટીની મજબુતી માટે વાત કરી છે. તેમણે 2019માં યોજાનાર લોકસભા ચૂંટણી અને 2020માં યોજાનાર બિહાર વિધાનસભા ચૂંટણીને ધ્યાને રાખીને પાર્ટીમાં એકતા કઇ રીતે વધારવામાં આવે અને તેને મજબુત કઇ રીતે કરવામાં આવે, તે અંગે પોતાનું મંતવ્ય આપ્યું છે. તેઓ મારા ભાઇ છે અને મારૂ માર્ગદર્શન કરે છે. 

તેમણે આગળ કહ્યું કે, તમામ પાર્ટીને મજબુતી પ્રદાન કરવા માટે કામ કરી રહી છે. આમાં રાયનો પહાડ કરવાની જરૂર નથી. અમારે શિક્ષણમાં થઇ રહેલા ગોટાળા પર ધ્યાન કેન્દ્રીત કરવું જોઇએ, કેવા પ્રકારનાં વિદ્યાર્થીઓને 35માંથી 38 માર્ક આપવામાં આવ્યા છે. જો તમે આ બધા પર ધ્યાન નથી આપતો તો બિહારને લાભ નથી થવાનો.