હૈદરાબાદઃ તેલંગાણાના જગતિયાલ જિલ્લામાં તેલંગાણા રાજ્ય સડક પરિવહન નિગમની એક પ્રવાસી બસ સડક પરથી ઉતરીને ઊંડી ખીણમાં પડી હતી. આ અકસ્માતમાં 46 મુસાફરોનાં મોત થયા છે, જ્યારે 25થી વધુ ઘાયલ થયા હોવાની પ્રાથમિક માહિતી બહાર આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

મૃતકોના પરિવારને 5 લાખનું વળતર 
મુખ્યમંત્રી કાર્યાલય તરફથી બહાર પડાયેલા નિવેદનમાં જણાવાયું છે કે, તેલંગાણાના કાર્યવાહક મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવે દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું છે અને તમામ મૃતકોનાં પરિજનોને રૂ.5-5 લાખનું વળતર આપવાની જાહેરાત કરી છે. તેમણે અધિકારીઓને ઘાયલોને તાત્કાલિક સારવાર પુરી પાડવા આદેશ આપ્યો છે. 



અધિકારીએ જણાવ્યું કે, આ બસ કોન્ડાગટ્ટુથી જગતિયાલ પાછી ફરી રહી હતી. શનિવારપેટ ગામ નજીક ઘાટમાંથી પસાર થતા સમયે ડ્રાયવરે નિયંત્રણ ગુમાવતાં બસ ખીણમાં પડી ગઈ હતી. આ બસમાં 50થી વધુ પ્રવાસી મુસાફરી કરી રહ્યા હતા. રાહત અને બચાવ કાર્યનું નિરીક્ષણ કરી રહેલા જગતિયાલના જિલ્લા કલેક્ટર એ. શરતે જણાવ્યું કે, "અકસ્માત લગભગ પોણા બાર વાગ્યાની આસપાસ થયો છે. તેમાં ઓછામાં ઓછા 40 લોકોનાં ઘટનાસ્થળે જ મોત થયાં છે, જ્યારે 20થી વધુ ઘાયલ હોવાની પ્રાથમિક માહિતી છે."


દુર્ઘટનામાં મૃત પામેલા લોકો પ્રત્યે દુખ વ્યક્ત કરતા તેલંગાણા પ્રદેશ કોંગ્રેસ સમિતિ (ટીપીસી)ના અધ્યક્ષ એન. ઉત્તમ કુમાર રેડ્ડીએ મૃતકોના પરિવારને રૂ.10-10 લાખનું વળતર આપવાની માગ કરી છે.