તેલંગાણામાં કુંડળી જોઇને ચૂંટણીની તારીખ નક્કી નહી થાય : ચૂંટણી પંચે રોકડુ પરખાવ્યું
ચૂંટણી પંચની પાસે છ મહિનાની અંદર ચૂંટણી યોજવાની ભલામણ કરવાનો અધિકાર હોય છે
નવી દિલ્હી : તેલંગાણા વિધાનસભા ચૂંટણી અન્ય 4 રાજ્યોમાં યોજાનારી ચૂંટણીની સાથે કરાવવાનાં ક્યાસ અંગે મુખ્ય ચૂંટણી આયુક્તે વિરામ લગાવી લીધો છે. મુખ્ય ચૂંટણી કમિશ્નર ઓપી રાવતે શુક્રવારે કહ્યું કે, તેલંગાણા ચુંટણીનો સમય જ્યોતિષીય ગણનાને આધારે નક્કી નહી કરવામાં આવે. તેલંગાણામાં ગુરૂવારે વિધાનસભા ભંગ કરી દેવામાં આવી હતી.
સમાચાર એજન્સી સાથે વાત કરતા રાવતે જણાવ્યું કે, અમે તે બાબતની ગણત્રી કરીશું કે 4 રાજ્યોની ચૂંટણી તેલંગાણા ચૂંટણીની સાથે કરાવવી શક્ય છે કે નહી. ચૂંટણીની તારીખની જાહેરાક કોઇ જ્યોતિષીય ગણત્રીનાં આધારે શક્ય નથી. ટીઆરએસ સરકારે ગુરૂવારે રાજ્ય વિધાનસભાને નિર્ધારિત સમયથી થોડા મહિનાઓ અગાઉ જ ભંગ કરવા માટેની ભલામણ કરી હતી. જેને રાજ્યપાલે મંજુરી આપતા વિધાનસભા ભંગ થઇ હતી.
ટીઆરએસની ગણત્રી છે કે તે પોતાનાં પાર્ટી પ્રમુખ ચંદ્રશેખર રાવનાં વ્યક્તિત્વ અને વિખરાયેલા પડેલા વિપક્ષનાં કારણે સતત બીજી વખત પણ સત્તામાં આવી શકે છે. માનવામાં આવી રહ્યું છે કે પાર્ટી લોકસભા અને વિધાનસબા ચૂંટણી એક સાથે થાય તેવી સ્થિતીમાં કેસીઆર અને મોદીની બ્રાંડને સામ સામે આવવાનું ટાળવા માંગતી હતી.
બેઠકમાં ઉઠી શકે છે મુદ્દો
ચૂંટણી પંચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે, અધિકારીઓની મંગળવારે અને શુક્રવારે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવા માટે બેઠકનું આયોજન થાય છે. આ બેઠકમાં દક્ષિણી રાજ્યમાં ચૂંટણી આયોજીત કરવાનો મુદ્દો ઉઠી શકે છે. અધિકારીએ જણાવ્યું કે, ચૂંટણીના નિર્ણય પહેલા તહેવાર, પરિક્ષાઓ અને હવામાનની સ્થિતી જેવા મુદ્દાઓ પર ચર્ચા થશે. તેલંગાણા વિધાનસભાનો કાર્યકાળ 2019ના જુન મહિનામાં પુર્ણ થવાનો હતો.