ઉત્તરાખંડમાં રુદ્રપ્રયાગ પાસે રૈતોલીમાં બદ્રીનાથ હાઈવે પર મુસાફરોને લઈને જઈ રહેલી એક ટેમ્પો ટ્રાવેલર વાહન અલકનંદા નદીમાં ખાબકતા 10 મુસાફરોના મોત થયા છે. આ વાહનમાં કુલ 17 લોકો સવાર હોવાનું કહેવાય છે. એસડીઆરએફને જાણ થતા જ ઘટનાસ્થળે ટુકડી પહોંચી અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરી દેવાતા બે ઈજાગ્રસ્તોને બચાવી લેવાયા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઘટનાની જાણ થતા જ વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. રુદ્રપ્રયાગ પહેલા આ ઘટના ઘટી, વાહન સીધુ ઊંડી ખાઈમાં પડતા અલકનંદા નદીમાં ખાબકી ગયું. વાહન જેવું નીચે પડ્યું કે મુસાફરોએ બૂમાબૂમ કરી હતી. આસપાસના લોકોને જાણ થતા તરત ઘટનાસ્થળે પહોંચ્યા અને પોલીસને સૂચના આપી હતી. જાણકારી મળતા જ પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને લોકોની મદદથી રેસ્ક્યૂ વર્ક શરૂ કરાયું. 



અકસ્માતનો ભોગ બનેલું વાહન ઉત્તર પ્રદેશના નોઈડાથી મુસાફરોને લઈને જઈ રહ્યું હતું. આ લોકો નોઈડાથી ચોપતા તુંગનાથ જઈ રહ્યા હતા. વાહનમાં ડ્રાઈવર સહિત 17 લોકો સવાર હોવાનું કહેવાય છે. આશંકા છે કે મૃત્યુઆંક વધી શકે છે જો કે હજુ 10 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. 



આ ઘટના અંગે સીએમ પુષ્કર સિંહ ધામીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર દુખ વ્યક્ત કર્યું છે. તેમણે લખ્યું કે જનપદ રુદ્રપ્રયાગમાં ટેમ્પો ટ્રાવેલરના દુર્ઘટનાગ્રસ્ત થવાના સમાચાર મળ્યા. સ્થાનિક પ્રશાસન તથા SDRFની ટીમ રાહત અને બચાવ કાર્યોમાં લાગી છે. ઘાયલોને નજીકના ચિકિત્સાકેન્દ્ર મોકલી દેવાયા છે. જિલ્લાધિકારીને ઘટનાની તપાસના આદેશ આપવામાં આવ્યા છે. ઈશ્વરને પ્રાર્થના છે કે દિવંગતોના આત્માને શ્રીચરણોમાં સ્થાન તથા શોકગ્રસ્ત પરિજનોને આ કષ્ટ સહન કરવાની શક્તિ આપે. બાબા કેદાર પાસે ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું.