HC આકરા પાણીએ, કહ્યું-કૂતરું કરડે તો દરેક દાંતના નિશાનના બદલામાં આપો 10,000 રૂપિયાનું વળતર
જો કોઈ રખડતો કૂતરો કોઈને કરડી જાય તો પછી દરેક દાંતના નિશાનના બદલે સરકારે હવે 10,000 રૂપિયાનું વળતર આપવું પડશે. હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. એક સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દરેક દાંતના નિશાન પર ઓછામાં ઓછા 10,000 રૂપિયાની સહાય મળવી જોઈએ.
જો કોઈ રખડતો કૂતરો કોઈને કરડી જાય તો પછી દરેક દાંતના નિશાનના બદલે સરકારે હવે 10,000 રૂપિયાનું વળતર આપવું પડશે. હરિયાણા અને પંજાબ હાઈકોર્ટે આ આદેશ આપ્યો છે. એક સુનાવણી દરમિયાન કોર્ટે કહ્યું કે દરેક દાંતના નિશાન પર ઓછામાં ઓછા 10,000 રૂપિયાની સહાય મળવી જોઈએ. આ ઉપરાંત જો 0.2 સેન્ટીમીટર માંસ પણ બહાર આવ્યું હોય તો તેના બદલામાં ઓછામાં ઓછા 20,000 રૂપિયાનું વળતર મળવું જોઈએ. કોર્ટે રખડતા કૂતરાઓ દ્વારા થતા હુમલા સંલગ્ન 193 કેસોની સુનાવણી કરતા આ આદેશ આપ્યો.
હાઈકોર્ટ બેન્ચના આ આદેશથી રખડતા કૂતરા કરડવા મુદ્દે એક નવી ચર્ચા શરૂ થઈ શકે છે. આ નિર્ણય એવા સમયે આવ્યો છે કે જ્યારે દેશભરમાં રખડતા કૂતરાઓના હુમલા અંગે ચર્ચા છેડાઈ છે. ઓક્ટોબર મહિનામાં જ જાણીતી ચા કંપની વાઘ બકરીના સીઈઓ પરાગ દેસાઈ પર રખડતા કૂતરાઓએ હુમલો કર્યો હતો. તેમનાથી બચવાની લ્હાયમાં તેઓ પડ્યા હતા અને તેમનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ ઘટનાએ રખડતા કૂતરાના હુમલા અંગેની ચર્ચા ફરીથી તેજ કરી છે. આ ઉપરાંત ગાઝિયાબાદમાં પણ એક બાળકનું તડપી તડપીને તાજેતરમાં મોત થયું હતું.
વાઘ બકરી ચાના સીઈઓના મોતથી એકવાર ફરીથી ચર્ચા તેજ થવા લાગી અને સોશિયલ મીડિયા પર લોકો માંગણી કરવા લાગ્યા કે તેમનાથી બચવા માટે પગલાં ભરવા જ પડશે. કૂતરાના કરડવાના મામલે સુનાવણી કરતા બેન્ચે કહ્યું કે 'આવા મામલાઓમાં પ્રશાસન જવાબદાર રહેશે.' હાઈકોર્ટે પંજાબ, હરિયાણા અને ચંડીગઢને આદેશ આપ્યો છે કે એક કમિટી બનાવો, જે નક્કી કરે કે કૂતરાના કરડવા કે અન્ય રખડતા પશુઓના હુમલા મામલે કેટલું વળતર આપવામાં આવે. રખડતા પશુઓમાં ગાય, સાંઢ, નીલગાય, ગધેડા, કૂતરા, ભેસ અને અન્ય જાનવરો સામેલ છે.
હાઈકોર્ટે કહ્યું કે રખડતા પશુઓના હુમલા સંલગ્ન કેસોના વળતર માટે બનનારી સમિતિમાં ડેપ્યુટી કમિશનર, એસડીએ, ટ્રાફિક પોલીસના એસપી અથવા ડીએસપી જેવા અધિકારીઓને સામેલ કરવા જોઈએ. એકબાજુ જ્યાં રખડતા કૂતરાઓના હુમલા અઁગે ચર્ચા વધી રહી છે ત્યારે કોર્ટનો આ ચુકાદો ખુબ મહત્વનો છે.