કુલગામ/કાશ્મીર : અત્યાર સુધી આપણે આતંકીઓના આતંકની વાતો સાંભળી હતી. તેમના એન્કાઉન્ટરના સમાચાર સામે આવે છે. આવા આતંકવાદીઓની પાછળ પણ રુંવાડા ઉભા કરી દે તેવી કહાની હોય તેવું તમે વિચાર્યુ પણ નહિ હોય. જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદીઓ સાથે લડીને જીવ ગુમાવનાર લાન્સ નાયક નજીર અહેમદ વાનીની કહાની હૃદયના તાર ઝણઝણાવી દે તેવી છે. નજીર અહેમદ વાની પહેલા આતંકવાદી હતો, પરંતુ બાદમાં તેમને અહેસાસ થયો તો તેમણે દેશ વિરોધી તત્વો સાથે સંબંધ તોડી દીધો. તેના બાદ તેઓ સેનામાં સામેલ થયા, અને દેશની સેવામાં લાગી ગયા. જમ્મુ-કાશ્મીરના શોપિયામાં રવિવારે થયેલ ઓપરેશનમાં સુરક્ષાદળોએ 6 આતંકીઓને માર્યા હતા. આ ઓપરેશનમાં જેમનો જીવ ગયો હતો, તે જવાન લાન્સ નાયક નજીર અહેમદ શહીદ થયા હતા. દેશ માટે બલિદાન આપનાર લાન્સ નાયક નજીર  અહેમદ વાનીને અશ્રુપૂર્ણ વિદાય આપવામાં આવી હતી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સૈનિકનું પાર્થિવ શરીર ત્રિરંગામાં લપેટીને તેમને કુલગામના તેમના પૈતૃક ગામ અશમુજીમાં લાવવામાં આવ્યા હતા અને તેમના પરિવારજનોને સોંપાયા હતા. તાબૂત સાથે આવેલ સેનાના એક વરિષ્ઠ નેતાએ જણાવ્યું કે, વાની શરૂઆતમાં એક આતંકવાદી હતો અને હિંસાની નિરર્થકતા અનુભવ્યા બાદ તે સેનામાં સામેલ થયો હતો. 


લાન્સ નાયક વાની ઉમદા સિપાહી હતા, અને 2007માં તેમને વીરતા માટે સેના દ્વારા મેડલ આપવામાં આવ્યું હતું. અધિકારીએ જણાવ્યું કે, તેમના મોતથી પરિવારના આસુ રોકાઈ નથી રહ્યા. તેમને આ વાતનું ગૌરવ છે કે, વાનીએ દેશ અને રાજ્યની શાંતિ માટે સર્વોચ્ચ બલિદાન આપ્યું છે.


રીત-રિવાજો બાદ મૃતદેહને દફનાવવાની વિધી કરવામાં આવી હતી. આ પ્રસંગે 500 જેટલા ગ્રામવાસીઓ એકઠા થયા હતા. વાનીને 21 તોપની સલામી આપીને એક સૈનિકને છાજે તેવી વિદાય આપવામાં આવી હતી. તેમણે 2004ના વર્ષમાં પ્રાદેશિક સેનાની 162મી બટાલિયનમાં એન્ટ્રી કરી હતી. ઉલ્લેખનીય છે કે, દક્ષિણ કાશ્મીરમાં આવેલ કુલગામ જિલ્લો આતંકવાદીઓનું ગઢ માનવામાં આવે છે.