જમ્મૂઃ જમ્મૂ અને કાશ્મીરના શ્રીનગર વિસ્તારમાં મંગળવારે આતંકીઓએ સીઆરપીએફની ટુકડી પર હુમલો કર્યો. આ હુમલામાં એક જવાન શહીદ થયો, જ્યારે બેને ઈજા પહોંચી છે. સુરક્ષાકર્મીઓએ વિસ્તારમાં ઘેરાબંધી કરીને આતંકીઓ વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. સુરક્ષાકર્મીઓએ વિસ્તારની દુકાનો બંધ કરાવી દીધી અને સર્ચ ઓપરેશન જારી છે. આ ઘટના શ્રીનગરના બટમાલૂ વિસ્તારની છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે, બાટમૂલા વિસ્તારમાં સ્થિત ફાયર બ્રિગેડ સ્ટેશનની પાસે સીઆરપીએફના જવાન અને પોલીસની એક ટુકડી તૈનાત હતી. ત્યારે આતંકીઓએ હુમલો કર્યો. મોડી સાંજ સુધી સુરક્ષા જવાનો દ્વારા કાર્યવારી ચાલુ હતી. 


મહત્વનું છે કે, આતંકીઓ દ્વારા સુરક્ષાકર્મીઓને નિશાને બનાવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. ઘાટીમાં ગમે ત્યારે સીઆરપીએણ તો ક્યારેક આર્મીની ટુકડીને આતંકવાદીઓ પોતાનું નિશાન બનાવી લે છે. 


સરકારે પણ સ્વીકાર કર્યો હતો કે છેલ્લા બે વર્ષ દરમિયાન આતંકી હુમલામાં 35 સુરક્ષા જવાનોના મોત થયા છે. રાજ્યસભામાં એક લેખિત સવાલનો જવાબ આપતા રક્ષા રાજ્યમંત્રી સુભાષ ભામરેએ ગૃહને જણાવ્યું કે, જમ્મૂ-કાશ્મીરમાં સૈન્ય શિબિરો તથા રક્ષા પ્રતિષ્ઠાનો પર 2016માં થયેલા નવ આતંકી હુમલામાં 35 જવાન શહીદ થયા અને આ સિવાય 15 નાગરિકોના મોત થયા છે. આ મામલે કાર્યવાહી દરમિયાન સેનાએ 40 આતંકીઓને ઠાર કર્યા છે.