J&K: અનંતનાગ આતંકી હુમલામાં CRPFના 5 જવાન શહીદ, અથડામણમાં બે આતંકી ઠાર
જમ્મૂ અને કાશ્મીરમાં ચાલી રહેલા ઓપરેશન ઓલઆઉટથી ડરેલા આતંકીઓએ સુરક્ષાદળોને ફરી એકવાર નિશાન બનાવ્યા છે.
નવી દિલ્હીઃ જમ્મૂ અને કાશ્મીરના અનંતનાગ વિસ્તારમાં થયેલા આતંકી હુમલામાં કેન્દ્રીય રિઝર્વ પોલીસ ફોર્સ (સીઆરપીએફ)ના પાંચ જવાન શહીદ થઈ ગયા છે. તો આ ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા ત્રણ અન્ય લોકોને સારવાર માટે હવે 92 બેસ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. જ્યાં તેમની સ્થિતિ નાજૂક છે. ઈજાગ્રસ્તોમાં અનંતનાગ પોલીસ સ્ટેશનના એસએચઓ આસદ ખાન અને એક સ્થાનિક મહિલા છે. તો આ હુમલાને અંજામ આપનારા બે આતંકીઓને સુરક્ષાદળોએ ઠાર કર્યાં છે. આ વિસ્તારમાં સુરક્ષાદળોનું કોમ્બિંગ ઓપરેશન હજુ ચાલી રહ્યું છે.
સુરક્ષાદળોએ આ વિસ્તારમાં નાકાબંધી કરીને આતંકીઓની શોધખોળ શરૂ કરી છે. સૂત્રો પ્રમાણે, આ હુમલામાં એક જવાન શહીદ થઈ ગયો અને પાંચ જવાનને ઈજા પહોંચી છે. એક આતંકીનું મોત થયાના પણ સમાચાર છે. પરંતુ સત્તાવાર રીતે હજુ આ વાતને સમર્થન મળ્યું નથી. આતંકી હુમલા બાદ સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે.
સુરક્ષાદળો સાથે જોડાયેલા સૂત્રો અનુસાર, આતંકી ઘટનાસ્થળેથી ભાગવામાં સફળ થાય તે પહેલા સીઆરપીએફના અન્ય જમાનોએ વિસ્તારમાં ઘેરાબંધી કરીને જવાબી કાર્યવાહી શરૂ કરી હતી.
હાલમાં સુરક્ષાદળો અને આતંકીઓ વચ્ચે અથડામણ ચાલી રહી છે, સીઆરપીએફના વરિષ્ઠ અધિકારી અનુસાર, અથડામણ સ્થળ માટે સીઆરપીએફની વધારાની ટુકડીને રવાના કરી દેવામાં આવી છે.