શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરના અનંતનાગના શીરપોરામાં આજે સીઆરપીએફની ટુકડી પર આતંકીઓએ ફાયરિંગ કર્યું. આ ઘટનામાં બે જવાનો શહીદ થયા છે. હુમલા બાદ સુરક્ષાદળોએ વિસ્તારમાં સર્ચિંગ અભિયાન શરૂ કરીને છૂપાયેલા આંતકીઓની શોધ શરૂ કરી છે. કહેવાય છે કે અચબલ વિસ્તારમાં આતંકીઓએ સીઆરપીએફની ટીમ પર સતત દસ મિનિટ સુધી ફાયરિંગ કર્યું. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

અત્રે જણાવવાનું કે ગુરુવારે જ કાશ્મીરના કૂપવાડામાં બે દિવસ સુધી ચાલેલી અથડામણમાં સુરક્ષાદળોએ એક આતંકીને ઠાર કર્યો હતો. આ અગાઉ મંગળવારે શોપિયામાં બે આતંકીઓનો ખાત્મો કરાયો હતો. 


82 યુવકો આતંકવાદના રસ્તે
કાશ્મીરમાં આ વર્ષે અત્યાર સુધી 82 જેટલા યુવકોએ આતંકવાદનો રસ્તો પકડ્યો છે. આ વર્ષે અત્યાર સુધી એપ્રિલ મહિનામાં સૌથી વધુ 25 જેટલા યુવકો આતંકવાદના રસ્તે ગયાં. આ બાજુ સુરક્ષાદળોએ પણ મોટી સંખ્યામાં આતંકીઓનું આત્મસમર્પણ કરાવ્યું છે. અત્રે જણાવવાનું કે હાલના સમયમાં સુરક્ષાદળોએ 101 આતંકીઓને મોતને ઘાટ ઉતાર્યા છે. 


જનાજામાં આવતા યુવકોની ભરતી કરી રહ્યાં છે આતંકીઓ
વિશેષજ્ઞોના જણાવ્યાં મુજબ એક એપ્રિલના રોજ શોપિયા અને અનંતનાગમાં અલગ અલગ અથડામણોમાં કુલ 13 આતંકીઓ માર્યા ગયા હતાં. ત્યારબાદ થયેલા તેમના અંતિમ સંસ્કારોનો ઉપયોગ આતંકીઓએ પોતાની ભરતી વધારવા માટે કર્યો. સેનાના સૂત્રોના જણાવ્યાં મુજબ નવા રિક્રુટ્સને ટ્રેનિંગના નામે ફક્ત એકે-47થી થોડા ફાયર કરાવવામાં આવે છે. આતંકીઓ ત્યારબાદ તેમની હથિયાર સાથે તસવીરો જારી કરી દે છે જેના કારણે તેમનો વાપસીનો રસ્તો બંધ થઈ જાય છે.