આતંકીઓએ ત્રણ વર્ષની બાળકી પર પણ રહેમ ન કર્યો...
આતંકીઓએ શોપિયાંના બટપોરા ચોક પર સુરક્ષા બળને નિશાન બનાવ્યું. આતંકી હુમલામાં એક ડઝનથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં ત્રણની હાલત નાજુક છે.
નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના શોપિયાં વિસ્તારમાં આતંકીઓએ હેન્ડ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. આતંકીઓએ આ વખતે સૌથી ભીડવાળા વિસ્તાર બટપોરા ચોકને નિશાન બનાવતાં હેન્ડ ગ્રેનેડ ફેંક્યો હતો. આ હુમલામાં 12થી વધુ લોકો ઘાયલ થયાનું જાણવા મળી રહ્યું છે. ઘાયલ થનારમાં જમ્મુ કાશ્મીરના પાંચ પોલીસ જવાનોનો પણ સમાવેશ થાય છે. તમામ ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા છે. જોકે ત્રણની હાલત ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.
સુરક્ષાબળના વરિષ્ઠ અધિકારીના અનુસાર, એક સુરક્ષાકર્મી અને ત્રણ વર્ષિય બાળકી સહિત ત્રણ લોકોની હાલત ઘણી ગંભીર છે. આ તમામને સઘન સારવાર માટે શોપિયાથી શ્રીનગર રિફર કરાયા છે. જ્યારે આતંકી હુમલાની જાણકારી મળતાં સુરક્ષા જવાનો દ્વારા આ વિસ્તારની નાકાબંધી કરી લેવામાં આવી છે અને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.