કાશ્મીરમાં આતંકીઓએ પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી, પુત્રી ઈજાગ્રસ્ત
જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓએ ફરી એક પોલીસકર્મીને નિશાન બનાવ્યો છે. ગોળીબારીમાં પોલીસકર્મીનું મોત થયું છે તો તેમની પુત્રીને ઈજા પહોંચી છે.
શ્રીનગરઃ જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા કેટલાક સમયથી આતંકીઓ સામાન્ય નાગરિક અને પોલીસકર્મીઓને નિશાન બનાવી રહ્યાં છે. આજે ફરી આતંકીઓએ નાપાક હરકત કરતા પોલીસકર્મીની ગોળી મારી હત્યા કરી દીધી છે. શ્રીનગર જિલ્લાના સૂરા વિસ્તારમાં આ ઘટના બની છે. આતંકીઓની ગોળીબારીમાં પોલીસકર્મી સૈફુલ્લાહ કાદરી ગંભીર રૂપથી ઈજાગ્રસ્ત થઈ ગયા હતા, હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમનું મોત થયુ છે. આ હુમલામાં પોલીસકર્મીની પુત્રીને પણ ઈજા થઈ છે. જમ્મુ-કાશ્મીર પોલીસે આ ઘટનાની પુષ્ટિ કરી છે.
વધુ એક પોલીસકર્મીની હત્યા
જમ્મુ-કાશ્મીર પોલીસના સૂત્રોનું કહેવું છે કે સૈફુલ્લાહ કાદરીને હોસ્પિટલમાં મૃત જાહેર કરી દેવામાં આવ્યા છે. ડો. જીએચ યાતૂએ કહ્યુ કે હોસ્પિટલ પહોંચવા પર કાદરી મૃત્યુ પામી ચુક્યા હતા. તેમની પુત્રીની સ્થિતિ સ્થિર છે. આ ઘટના બાદ પોલીસે ઘેરાબંધી કરી છે અને આતંકીઓને શોધવા સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.
સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યાં છે આતંકીઓ
જમ્મુ-કાશ્મીરમાં કેટલાક સમયથી આતંકીઓએ સ્થાનીક સૈનિકો, સ્થાનીક લોકો અને પોલીસકર્મીઓને નિશાન બનાવવાનું શરૂ કર્યુ છે. આતંકીઓ બીજા રાજ્યના પ્રવાસી લોકોને પણ નિશાન બનાવી રહ્યાં છે. આ પહેલા કાશ્મીરી પંડિત યુવકની હત્યા કરવામાં આવી હતી. મહત્વનું છે કે જમ્મુ-કાશ્મીરમાં સેના આતંકીઓ વિરુદ્ધ ઓપરેશન ઓલ આઉટ ચલાવી રહી છે. તેના ડરથી આતંકીઓ સામાન્ય લોકોને નિશાન બનાવી રહ્યાં છે.
દેશના વધુ સમાચારો વાંચવા માટે કરો ક્લિક...
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube