હિમાચલ રાજ્યસભા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર હર્ષ મહાજનની જીત, કોંગ્રેસને લાગ્યો મોટો ઝટકો
Himachal Rajya Sabha Election Result: હિમાચલમાં એક સીટ પર યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં દિવસભર ગરમાવો જોવા મળ્યો હતો. ક્રોસ વોટિંગની અટકળો વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારે જીત મેળવી લીધી છે.
શિમલાઃ Himachal Rajya Sabha Election Result: હિમાતલ પ્રદેશની એક રાજ્યસભા સીટ પર ભાજપના ઉમેદવાર હર્ષ મહાજન જીતી ગયા છે. તેમણે કોંગ્રેસના અભિષેક મનુ સિંઘવીને હરાવી દીધા છે. કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિંઘવીએ પત્રકાર પરિષદ યોજી ભાજપના નેતાને જીતની શુભેચ્છા આપી છે. હિમાચલ પ્રદેશમાં આજે યોજાયેલી રાજ્યસભા ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોને 34-34 મત મળ્યા હતા. પછી ચીઠ્ઠી દ્વારા વિજેતા ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા હતા. જેમાં ભાજપના હર્ષ મહાજને બાજી મારી છે. કોંગ્રેસના છ ધારાસભ્યોએ આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યું હતું.
સુક્ખૂ સરકાર પાસે બહુમત નથી
જીત બાદ ભાજપના કાર્યકર્તાઓએ જય શ્રી રામના નારા લગાવ્યા હતા. તેમણે જયરામ ઠાકુરને ઉઠાવી લીધા હતા. ભાજપે દાવો કર્યો કે રાજ્યની સુખવિંદર સિંહ સુક્ખૂની સરકાર પાસે હવે બહુમત નથી.
નવ કલાકે શરૂ થયું હતું મતદાન
હિમાચલના શિમલામાં મતદાન પ્રક્રિયા સવારે 9 કલાકે શરૂ થઈ હતી અને સૌથી છેલ્લા ચિંતપૂર્ણીથી કોંગ્રેસ ધારાસભ્ય સુદર્શન બબલૂએ મત આપ્યો હતો. બીમાર હોવાને કારણે બબલૂને હેલીકોપ્ટરથી વિધાનસભા લાવવામાં આવ્યા હતા. તેમાં તમામ 68 ઉમેદવારોએ મતદાન કર્યું હતું.
કોંગ્રેસ પાસે હતા 40 ધારાસભ્યો
નોંધનીય છે કે હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસની સરકાર છે અને કોંગ્રેસ પાસે રાજ્યમાં 40 ધારાસભ્યો છે. એટલે કે એક રાજ્યસભા સીટ પર કોંગ્રેસની જીત નક્કી હતી. પરંતુ ભાજપ પાસે સંખ્યાબળ ન હોવા છતાં ભાજપના ઉમેદવારને શાનદાર જીત મળી છે.