NPRમાં કોઈની નાગરિકતા જશે નહીં, એક ઈન્ટરવ્યૂમાં બોલ્યા અમિત શાહ
કોંગ્રેસે વર્ષ 2010મા એનપીઆરની પ્રક્રિયા શરૂ કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એનપીઆરમાં આધાર નંબર આપવામાં કોઈ સમસ્યા નથી.
નવી દિલ્હીઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની વસ્તી ગણતરી 2021ની પ્રક્રિયા શરૂ કરવા અને રાષ્ટ્રીય જનસંખ્યા રજીસ્ટર (એનપીઆર)ને અપડેટ કરવાની મંજૂરી આપી દીધી છે. ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, એનપીઆર અને એનઆરસી વચ્ચે કોઈ સંબંધ નથી. તે હું સ્પષ્ટ પણે કહુ છું. દેશભરમાં એનઆરસી પર કોઈ વાત થઈ રહી નથી. તેના પર ચર્ચાની કોઈ જરૂર નથી. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાચુ કહ્યું હતું કે એનઆરસી પર કેબિનેટ અને સંસદમાં કોઈ ચર્ચા થઈ નથી.
અમિત શાહે કહ્યું કે, નાગરિકતા સંશોધન કાયદા અને એનપીઆરને લઈને વિપક્ષ રાજનીતિ કરી રહ્યું છે. વિપક્ષ તેને લઈને અફવા ફેલાવી રહ્યું છે. જ્યારે તેમને સવાલ કરવામાં આવ્યો કે બિન ભાજપ શાસિત રાજ્યોના મુખ્યપ્રધાનો એનઆરસી અને નાગરિકતા સંશોધિત કાયદાને લાગૂ કરવાનો ઇનકાર કરી રહ્યાં છે, જેના જવાબમાં ગૃહપ્રધાને કહ્યું કે, રાજ્યના મુખ્યપ્રધાનોએ કોઈ એવું કામ ન કરવું જોઈએ, જેથી સમસ્યા ઉભી થાય.
જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે, જો બિન ભાજપ શાસિત રાજ્યોની સરકારોએ એનપીઆર લાગૂ કરવાનો ઇનકાર કરી દીધો, તો તમે શું કરશો, તો અમિત શાહે કહ્યું કે, એનપીઆરથી કોઈને મુશ્કેલી નથી. તેને લઈને હું રાજ્યોના મુખ્યપ્રધાનોને સમજવવાનો સંપૂર્ણ પ્રયાસ કરીશ.
કોંગ્રેસે વર્ષ 2010મા એનપીઆરની પ્રક્રિયા શરૂ કરી હતી. એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, એનપીઆરમાં આધાર નંબર આપવામાં કોઈ સમસ્યા નથી. એનપીઆર ન તો અમારા ચૂંટણી ઢંઢેરામાં સામેલ નથી. જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે જો એનપીઆરમાં કોઈનું નામ સામેલ થવાનું રહી જાય છે, તો શું તેની નાગરિકતા જતી રહેશે, તો અમિત શાહે કહ્યું કે, હું તે વાત સ્પષ્ટ કરી દેવા માગુ છું કે એનપીઆરમાં કોઈનું નામ સામેલ ન થવાથી કોઈની નાગરિકતા જશે નહીં. આ એનઆરસીથી અલગ છે.
નાગરિકતા સંશોધન કાયદાની વિરુદ્ધ પ્રદર્શનના સવાલ પર અમિત શાહે કહ્યું કે, આ વિરોધ પ્રદર્શન રાજકીય છે. તેને લઈને વિરોધ પ્રદર્શન તે રાજ્યોમાં નથી થયા, જ્યાં સૌથી વધુ ઘુષણખોરો રહે છે.
ડિટેન્શન સેન્ટરને લઈને કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કહ્યું કે, જો કોઈ બીજા દેશમાથી ગેરકાયદેસર રીતે આવે છે, તો તેને જેલમાં ન રાખી શકીએ. તેને ડિટેન્શન સેન્ટરમાં રાખવામાં આવે છે. ડિટેન્શન સેન્ટરને એનઆરસી સાથે કોઈ લેવા દેવા નથી.
અમિત શાહે કહ્યું કે, આસામમાં માત્ર એક ડિટેન્શન સેન્ટર છે. પરંતુ તેને લઈને મને ખાતરી નથી, પરંતુ એટલું સ્પષ્ટ કરુ છું કે જે પણ ડિટેન્શન સેન્ટર છે, તે મોદી સરકારમાં બનાવવામાં આવ્યા નથી. એટલું જ નહીં જે પણ ડિટેન્શન સેન્ટર બન્યા છે, તે સંચાલિત નથી.