મુંબઈ: કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ કહ્યું કે રાહુલ ગાંધી કે પાર્ટીના કોઈ પણ અન્ય નેતા આરએસએસના કાર્યક્રમમાં ભાગ લેવાનો કોઈ સવાલ જ નથી ઊભો થતો. આરએસએસની આગામી મહિનાની વ્યાખ્યાન શ્રેણીમાં કોંગ્રેસ અધ્યક્ષને કથિત રીતે આમંત્રિત કરવાની યોજના પર જ્યારે  ખડગેને પૂછવામાં આવ્યું તો તેમણે કહ્યું કે પહેલા નિમંત્રણ તો આવવા દો. આ (નિમંત્રણ) બધુ (ચૂંટણી)ને લઈને છે. 2019ની ચૂંટણી પહેલા પાર્ટીની મહારાષ્ટ્ર અને મુંબઈ શાખાના કાર્યકર્તાઓને મળ્યા બાદ તેઓ પત્રકારો સાથે વાતચીત કરી રહ્યાં હતાં. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

તેમણે કહ્યું કે કોંગ્રેસ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) સાથે એક વૈચારિક લડાઈ લડી રહી છે અને પાર્ટીએ ભાજપને સત્તામાંથી દૂર રાખવા માટે કર્ણાટકમાં મુખ્યમંત્રી પદ પણ છોડ્યું. ખડગેએ કહ્યું કે કર્ણાટકમાં એક નાની પ્રાદેશિક પાર્ટી (જનતા દળ-સેક્યુલર)ના 37 ધારાસભ્યો છે જ્યારે અમારા 80 ધારાસભ્યો છે. પરંતુ અમે ધર્મનિરપેક્ષ તાકાતોને મજબુત કરવા માટે તે પાર્ટી માટે મુખ્યમંત્રી પદ છોડ્યું. આથી (ગાંધી કે કોંગ્રેસના કોઈ અન્ય નેતાનો) આરએસએસ હેડક્વાર્ટર જવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. તેમણે આરએસએસની વિચારધારાને દેશ માટે અને દલિતો તથા અન્ય ઉત્પીડિત વર્ગો માટે ઝેર ગણાવી. 


ખડગેએ કહ્યું કે જો રાહુલસાહેબ મને ત્યાં (આરએસએસ કાર્યક્રમમાં) જવા અંગે પૂછે તો હું તેમને એમ જ કહીશ કે ત્યાં જવાનો કોઈ સવાલ જ નથી. આવા લોકો સાથે જોડાવવાનો કોઈ ઈરાદો નથી. આરએસએસના સૂત્રોએ બે દિવસ પહેલા દાવો કર્યો હતો કે તેઓ રાહુલ ગાંધીને આગામી મહિને નવી દિલ્હીમાં 3 દિવસની વ્યાખ્યાન શ્રેણીમાં આમંત્રિત કરી શકે છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે વિચાર અલગ અલગ વિચારધારાઓથી લોકોને આમંત્રિત કરવાનો છે. આ સૂચિમાં માકપા મહાસચિવ સીતારામ યેચુરી પણ સામેલ થઈ શકે છે. 


આ દરમિયાન ખડગેએ ભાજપના નેતૃત્વવાળી મહારાષ્ટ્ર સરાકર ઉપર માનવાધિકારોને કચડવાનો અને અઘોષિત કટોકટી લાદવાનો પણ આરોપ લગાવ્યો. કોંગ્રેસના મહારાષ્ટ્ર મામલાના પ્રભારી ખડગેએ સરકાર પર બુદ્ધિજીવીઓને 'આતંકિત કરવા અને ધમકાવવાનો' પણ આરોપ લગાવ્યો. (ઈનપુટ ભાષામાંથી)