ચાર રાજ્યોમાં મંત્રીઓ સહિત આ મોટા નેતાઓ હાર્યા ચૂંટણી, લિસ્ટમાં અનેક દિગ્ગજ છે સામેલ
ચાર રાજ્યોના ચૂંટણીમાં પરિણામોમાં ઘણા અપસેટ પણ સર્જાયા છે. વર્તમાન મુખ્યમંત્રી અને મંત્રીઓએ પણ હારનો સામનો કરવો પડ્યો છે. રાજસ્થાનમાં આ મોરચે કોંગ્રેસની સ્થિતિ સૌથી ખરાબ છે.
નવી દિલ્હીઃ ચાર રાજ્યોના ચૂંટણી પરિણામોમાં મોટા ગજાના ઘણા નેતાઓના રાજકીય ભાવિનો ફેંસલો થઈ ગયો છે. જે નેતાઓ જીત્યા છે, તેમને રાહત મળી છે. જો કે હારનો સામનો કરનારા ઘણા નેતાઓએ ઘરે બેસવું પડે તેમ છે. નવાઈની વાત એ છે કે આમાંથી ઘણા તો મંત્રીઓ છે.
રાજસ્થાનમાં આ મોરચે કોંગ્રસ માટે કપરી સ્થિતિ સર્જાઈ છે. કેમ કે ગેહલોત સરકારના 19 મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે. વિધાનસભા અધ્યક્ષ સી પી જોશી નાથદ્વારા બેઠક પરથી હારી ગયા. કેબિનેટ મંત્રી અને ગુજરાત કોંગ્રેસના પૂર્વ પ્રભારી રઘુ શર્માએ પણ કેકડી બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી પ્રતાપસિંહ ખાચરિયાવાસે સિવિલ લાઈન્સ બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો.
જ્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ગૌરવ વલ્લભે પણ ઉદયપુર બેઠક પરથી હારનો સાનો કરવો પડ્યો છે. મુખ્યમંત્રી અશોક ગેહલોત સરદારપુરા બેઠક પરથી અને ટોંક બેઠક પરથી સચિન પાયલટની જીત થઈ છે. જે કોંગ્રેસ માટે મોટી રાહત સમાન છે.
છત્તીસગઢમાં પણ કોંગ્રેસ સરકારના કેટલાક મંત્રીઓએ હારનો સામનો કરવો પડ્યો છે. નાયબ મુખ્યમંત્રી ટી એસ સિંહ દેવ ફક્ત 157 મતોથી હારી ગયા.
આ પણ વાંચો- ચૂંટણી પરિણામ બાદ સાચી પડી પીએમ મોદીની આ ભવિષ્યવાણી, કહ્યું હતું- લખીને રાખી લો
મધ્ય પ્રદેશમાં ભાજપના ફાળે મોટો અપસેટ આવ્યો છે. રાજ્ય સરકારના પાંચ મંત્રીઓએ હારનો સામનો કરવાનો વારો આવ્યો છે. ગૃહ મંત્રી અને મુખ્યમંત્રી પદના દાવેદાર ગણાતા નરોત્તમ મિશ્રાએ દતિયા બેઠક પરથી હારનો સામનો કરવો પડ્યો છે. કૃષિ મંત્રી કમલ પટેલે પણ હરદા બેઠક પરથી હારી ગયા છે. પંચાયત અને ગ્રામીણ વિકાસ મંત્રી મહેન્દ્રસિંહ સિસોદિયા બમોરી બેઠક પરથી હારી ગયા છે. ઉદ્યોગ મંત્રી રાજ્યવર્ધનસિંહ બદનાવર બેઠક પરથી હારી ગયા છે.
તેલંગાણામાં પણ દિગ્ગજ નેતાઓની હારથી અપસેટ સર્જાયો છે. નવાઈની વાત એ છે કે પૂર્વ મુખ્યમંત્રી કે ચંદ્રશેખર રાવ અને ભાવિ મુખ્યમંત્રી અને કોંગ્રેસ ઉમેદવાર રેવંત રેડ્ડીએ પણ હારનો સામનો કરવો પડ્યો છે, જો કે તેઓ બે બેઠક પરથી લડ્યા હોવાથી એક બેઠક સચવાઈ ગઈ છે...બે સીએમને હરાવનાર બીજું કોઈ નહીં ભાજપના ઉમેદવાર છે.
કામારેડ્ડી બેઠક પર ચંદ્રશેખર રાવ અને રેવંત રેડ્ડી સામસામે લડ્યા હતા, જો કે બાજી ભાજપના ઉમેદવાર કટિપલ્લી વેંકટ રમણ રેડ્ડી મારી ગયા. કેસીઆર બીજા નંબરે અને રેવંત રેડ્ડી ત્રીજા ક્રમે રહ્યા. કેસીઆર ગજવેલ બેઠક પરથી અને રેવંત રેડ્ડી કોડંગલ બેઠક પરથી જીતી ગયા.
મતદારો માટે આ તમામ પરિણામો ચૂંટણીના રસપ્રદ પાસા છે, તો હારેલા મંત્રીઓ માટે પરિણામ ઝટકા સમાન છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube